Western Times News

Gujarati News

બોઈંગ ડ્રીમલાઈનર સૌથી સુરક્ષિત વિમાન: એર ઈન્ડિયાનો દાવો

નવી દિલ્હી, અમદાવાદમાં તૂટી પડેલા એર ઈન્ડિયાના વિમાન એઆઈ-૧૭૧ અંગે વિમાન દુર્ઘટના તપાસ બ્યુરોએ તેનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપ્યો છે. જોકે, અંતિમ રિપોર્ટ આવતા હજુ ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડયાના ચાર સપ્તાહ પછી પ્રાથમિક રિપોર્ટ અપાયો છે.

બીજીબાજુ સંસદની પીએસી સમક્ષ એર ઈન્ડિયાએ વિમાન બનાવતી કંપની બોઈંગનો બચાવ કરતા દાવો કર્યાે કે, બોઈંગ કંપનીનું ડ્રીમલાઈનર સૌથી સુરક્ષિત વિમાન છે.

એર ઈન્ડિયાના અમદાવાદમાં તૂટી પડેલા વિમાન અંગે વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (એએઆઈબી) દ્વારા તૈયાર કરાયેલ પ્રારંભિક રિપોર્ટ અકસ્માત અંગે શરૂઆતના આકલન અને તપાસના શરૂઆતના તબક્કામાં એકત્ર કરાયેલા વિગતો પર આધારિત છે. જોકે, ફાઈનલ રિપોર્ટ આવતા ત્રણ મહિનાનો સમય લાગશે. આ રિપોર્ટની વિગતો હજુ સુધી જાહેર કરાઈ નથી.

દરમિયાન એર ઈન્ડિયાના સીઈઓએ સંસદની પબ્લિક એકાઉન્ટ કમિટિ (પીએસી)ને સોંપેલા તેના જવાબમાં અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતમાં બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈનરનો બચાવ કર્યાે હતો અને તેને સૌથી સુરક્ષિત વિમાનોમાંથી એક ગણાવ્યું હતું.

એરલાઈન કંપનીએ પીએસીને જણાવ્યું કે, હાલમાં સમગ્ર વિશ્વમાં ૧,૦૦૦થી વધુ ડ્રીમલાઈનર વિમાન વિવિધ એરલાઈન્સ કંપનીઓને સેવા આપી રહ્યા છે. મૂળભૂત રૂપે એરપોર્ટ પર ચાર્જ લગાવવા અંગે યોજાયેલી પીએસી બેઠકમાં અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન અકસ્માતનો મુદ્દો ઉઠયો હતો, જેથી સત્ર તણાવપૂર્ણ થઈ ગયું હતું.

પીએસીની બેઠકમાં એર ઈન્ડિયા તરફથી સીઈઓ વિલ્સન કેમ્પબેલ હાજર રહ્યા હતા.સૂત્રો મુજબ પીએસીમાં સામેલ સભ્યોએ સુરક્ષા પ્રક્રિયા પર એરલાઈન કંપનીઓના અધિકારીઓ પાસેથી જવાબ માગ્યો હતો અને બીસીએએસ દ્વારા તાત્કાલિક ઓડિટની માગ કરી હતી. બેઠકમાં હાજર સાંસદોએ ડીજીસીએની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને તેમણે તાજેતરમાં થયેલી સુરક્ષા ચૂક અંગે ચિંતા વ્યક્ત કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.