‘ધુરંધર’ એજ ગેપઃ ૪૦ વર્ષનો રણવીર સિંહ અને ૨૦ વર્ષની સારા

મુંબઈ, રણવીર સિંહની આગામી ફિલ્મ ‘ધુરંધર’નો ફર્સ્ટ લૂક જાહેર થયા પછી ફિલ્મની લીડ એક્ટ્રેસ સારા અર્જુન ટ્રેન્ડમાં આવી છે. સારાની ઉંમર ૨૦ વર્ષની છે, જ્યારે રણવીર ૪૦ વર્ષનો છે. ફિલ્મની પહેલી ઝલકને ઓડિયન્સે વખાણી છે, પરંતુ આટલો મોટો એજ ગેપ ચર્ચાનું કારણ બન્યો છે. સોશિયલ મીડિયા પર આ અંગે સંખ્યાબંધ મીમ પણ બની રહી છે.
એજ ગેપ બાબતે ફિલ્મના મેકર્સ અથવા રણવીર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ‘ધુરંધર’માં રણવીર સિંહનો આક્રમક અંદાજ ઓડિયન્સને પસંદ આવ્યો છે. ફિલ્મના પ્રોમોમાં રણવીરની સાથે સારા અર્જુન પણ જોવા મળે છે. આમ તો સારા અર્જુને તમિલ ફિલ્મોમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે, પરંતુ ‘ધુરંધર’માં તેનું નામ જોડાયા પછી તે દેશભરમાં ટ્રેન્ડ થઈ રહી છે.
સારાએ સાઉથની ફિલ્મોમાં ચાઈલ્ડ એક્ટ્રેસ તરીકે શરૂઆત કરી હતી. સારાના પિતા રાજ અર્જુન પણ સાઉથના જાણીતા એક્ટર છે. ૨૦૧૦ના વર્ષમાં એટલે કે માત્ર ૫ વર્ષની ઉંમરે સારાએ ચિયાન વિક્રમની ફિલ્મ ‘દૈવા થિરુમગલ’માં કામ કર્યું છે.
સારાએ આ ફિલ્મમાં મેન્ટલી ચેલેન્જ્ડ પિતાની છ વર્ષની દીકરીનો રોલ ર્યાે હતો. આ ફિલ્મમાં સારાની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. ૨૦૧૪માં સારાએ તમિલ ફિલ્મ ‘શૈવમ’માં મહત્ત્વનો રોલ કર્યાે હતો. ત્યારબાદ સારાએ હિન્દી અને મલયલામ ફિલ્મોમાં પણ કામ કરેલું છે.
૨૦૧૯માં બે હિન્દી ફિલ્મો ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ અને ‘સાંડ કી આંખ’માં સારા જોવા મળી હતી. ૨૦૨૨માં મણિ રત્નમની બિગ બજેટ ‘પોન્નિયન સેલ્વન’માં સારાએ નાનપણની ઐશ્વર્યા રાયનો રોલ કર્યાે હતો. ત્રણ વર્ષ પહેલાની નાનકડી ‘નંદિની’ હવે ‘ધુરંધર’ની લીડ એક્ટ્રેસ બની છે. ૬ જુલાઈએ રણવીરના જન્મદિવસ નિમિત્તે ફિલ્મનો પ્રોમો શેર થયો હતો અને આ સાથે જ સારા અર્જુન ચર્ચામાં આવી છે.
કેટલાકને ૪૦ વર્ષના રણવીર અને ૨૦ વર્ષની સારાના ઓન સ્ક્રિન રોમાન્સમાં કંઈક અજુગતું દેખાઈ રહ્યું છે ત્યારે ફિલ્મની સ્ટોરી પણ ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મ ભારતના સુપર સ્પાય અને નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત દોવાલના જીવન આધારિત હોવાનું કહેવાય છે.
આદિત્ય ધરના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં સંજય દત્ત, માધવન, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મને ૫ ડિસેમ્બરે રિલીઝ કરવાનું આયોજન છે ત્યારે બોક્સઓફિસ પર તેની સીધી ટક્કર પ્રભાસની ‘રાજા સાબ’ સાથે થવાની છે.SS1MS