કૃષિપાકો અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન થકી ખેડૂતો રળી રહ્યા છે ઓછી મહેનતે વધુ નફો

હળદર, વરિયાળી, તુવેરદાળ, ચણા, મેથી સહિતના પ્રાકૃતિક ખેતીમાં ખેતપેદાશોના મૂલ્યવર્ધન થકી ફાયદો મેળવતા અમદાવાદ જિલ્લાના ખેડૂતો
કઈ રીતે ખેતપેદાશોનું મૂલ્યવર્ધન કરી શકાય અને મૂલ્યવર્ધનના શું ફાયદા છે એ જાણીએ
પરિવર્તનના આધુનિક યુગમાં અમદાવાદ જિલ્લાના ખેડૂતો પણ પરંપરાગત ખેતીમાંથી હવે પ્રાકૃતિક અને બાગાયતી ખેતી તરફ વળી રહ્યાં છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ખેડૂતો અવનવા પ્રયોગો અને દિશાસૂચક માર્ગદર્શન થકી અવનવા પાકો લઈને પ્રાકૃતિક અને બાગાયતી કૃષિ ક્ષેત્રે નવી કેડી કંડારી રહ્યાં છે.
પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલી કૃષિ પેદાશોનું મૂલ્યવર્ધન આજે જિલ્લામાં નવો ટ્રેન્ડ બની રહ્યો છે. જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો આજે હળદર, વરિયાળી, તુવેરદાળ, ચણા, મેથી સહિતના પાકોમાં મૂલ્યવર્ધન થકી ઓછી મહેનતે વધુ નફો રળી રહ્યા છે. શું છે આ મૂલ્યવર્ધન ? કઈ કઈ રીતે ખેતપેદાશો નું મૂલ્યવર્ધન કરી શકાય ? મૂલ્યવર્ધન ના શું ફાયદા છે ? ચાલો જાણીએ વિગતે…
મૂલ્યવર્ધન એટલે શું ?
- મૂલ્યવર્ધન એટલે વિવિધ ઉપાયો થકી પેદાશોની કિંમતમાં વધારો કરવાની ક્રિયા. કૃષિ પેદાશોને સીધે સીધી ન વેચતા તેના પર કોઈ નિશ્ચિત પ્રકારની પ્રક્રિયા અથવા તેનું પ્રોસેસિંગ કરીને તેની વેચાણ કિંમતમાં જે વધારો કરી શકાય તેને મૂલ્ય વર્ધન કહેવામાં આવે છે.
મૂલ્યવર્ધનના ફાયદા
- કૃષિ પેદાશોની ગુણવત્તામાં વૃદ્ધિ કરી શકાય છે.
- ખેડૂતોને તેમની પેદાશોના સારા ભાવ મળે છે અને ગ્રાહકોને ગુણવત્તા યુક્ત કૃષિ પેદાશો મળે છે.
- પેદાશોને વધુ પોષણક્ષમ બનાવીને આકર્ષક રીતે રજૂ કરી શકાય છે.
- કોઈ નિશ્ચિત સીઝન સિવાયના સમયમાં પણ પેદાશ ઉપલબ્ધ કરાવી શકાય છે.
- ખેત પેદાશોની સંગ્રહ શક્તિ વધે છે.
- મૂલ્યવર્ધન થકી નિકાસમાં વધારો કરી શકાય છે.
કઈ કઈ રીતે ખેતપેદાશો નું મૂલ્યવર્ધન કરી શકાય ?
1) નિશ્ચિત પ્રક્રિયા/પ્રોસેસિંગ દ્વારા મૂલ્યવર્ધન
- વિવિધ પાકોને પ્રોસેસિંગ થકી ગ્રાહકો માટે વાપરવા યોગ્ય બનાવીને વેચી શકાય છે. પ્રોસેસિંગ દ્વારા ઉચ્ચ ગુણવત્તા યુક્ત પેદાશો બનાવી શકાય છે.
- ઉ.દા. અમદાવાદ જિલ્લાના ઘણા ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી હળદરની ખેતી કર્યા બાદ પોતાના ઘરે અથવા કાર્યસ્થળે ડ્રાયર દ્વારા અથવા કુદરતી રીતે હળદરની સુકવણી કરીને વિવિધ તકનીકો દ્વારા સુકવેલ હળદરનો પાવડર બનાવીને હળદરનું મૂલ્યવર્ધન કરીને કમાણી કરે છે.
2) વર્ગીકરણ દ્વારા મૂલ્યવર્ધન
- વિવિધ કૃષિ પેદાશોને તેના કદ, રંગ, આકાર, ગુણવત્તા, જાત તથા વજનના આધારે વર્ગીકૃત કરીને તેનું મૂલ્યવર્ધન કરી શકાય છે. આવી વર્ગીકૃત કરેલી જાતો અથવા ખેતપેદાશોના ભાવ પણ સારા એવા મેળવી શકાય છે.
ઉ.દા. વિવિધ બાગાયતી ખેત પેદાશોમાં વર્ગીકરણ થકી અલગ અલગ ગુણવત્તા અથવા અલગ અલગ ગુણધર્મોવાળા ફળપાકોના અલગ અલગ ભાવ મેળવી શકાય છે તથા ચોક્કસ પ્રકારના ગ્રાહકો અથવા વેપારીઓને વેચી શકાય છે.
3) સુકવણી દ્વારા મૂલ્યવર્ધન
- જે ખેતપેદાશોમાં શરૂઆતના સમયમાં ભેજનું પ્રમાણ વધારે હોય તેમાં સુકવણી દ્વારા મૂલ્યવર્ધન કરી શકાય છે
ઉ.દા. શાકભાજી પાકો.
- શાકભાજીના પાકોમાં શરૂઆતના સમયમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. વધુ પડતા ભેજના લીધે શાકભાજી ઝડપથી બગડી જતા હોય છે. આવા કિસ્સાઓમાં સૂકવણી દ્વારા શાકભાજીનું મૂલ્ય વર્ધન કરીને તેની શેલ્ફલાઈફ વધારી શકાય છે.
- અમદાવાદ જિલ્લામાં દસ્ક્રોઈ તાલુકાના ખેડૂતો શાકભાજી પાકોમાં સૂકવણી દ્વારા મૂલ્યવર્ધન થકી શાકભાજી પાકોના સારા ભાવો મેળવે છે.
4) કોલ્ડ સ્ટોરેજ દ્વારા મૂલ્યવર્ધન
- ચોક્કસ સિઝનમાં પકવવામાં આવતા શાકભાજી અને ફળપાકો અન્ય સિઝનમાં ઉપલબ્ધ રહેતા નથી. આવા કિસ્સાઓમાં કોલ્ડ સ્ટોરેજ દ્વારા આવા પાકોનું મૂલ્યવર્ધન કરીને તેમને નીચા તાપમાને સંગ્રહ કરવામાં આવે છે અને તેમની ઉપલબ્ધતા ન હોય તેવા સમયે આવા પાકોનું વેચાણ કરીને નફો મેળવી શકાય છે.
- ઉ.દા. પ્રાકૃતિક પદ્ધતિથી બાગાયતી ખેતી કરતા ખેડૂતો ફાલસા જેવા બાગાયતી પાકોમાં તેનું મૂલ્યવર્ધન કરીને તેનો પલ્પ બનાવીને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરતા હોય છે અને સમગ્ર વર્ષ દરમિયાન આ પલ્પના વેચાણ થકી નફો મેળવતા હોય છે. એ જ રીતે વિવિધ શાકભાજી અને ફળ પાકોમાં પણ સ્ટોરેજ દ્વારા મૂલ્ય વર્ધન કરી શકાય છે. મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ.