સરખેજ–જુહાપુરા હાઈવે પર 7 ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા
AMC અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સંયુક્ત ઓપરેશન, રાત્રે 11 વાગે શરૂ થયેલી કાર્યવાહી રાત્રિભર ચાલતી રહી
(પ્રતિનિધિ) અમદાવાદ, 9 જુલાઈ 2025: શહેરના અતિવ્યસ્ત સરખેજથી જુહાપુરા તરફ જતા નેશનલ હાઈવે તથા ટીપી રોડ ઉપર છેલ્લા કેટલાક સમયથી ધાર્મિક અને રહેણાંક દબાણો જનસામાન્ય માટે અવરોધરૂપ બન્યા હતા.
જાહેર માર્ગોની વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તથા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા 8 જુલાઈ 2025ની રાત્રે 11 વાગ્યાથી વિશાળ હટાવણી અભિયાન ચલાવવામાં આવ્યું.
આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન શહેરના પોલીસ વિભાગ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર ઓપરેશનમાં 2 હિટાચી મશીન, 4 JCB, 6 ડમ્પર, 2 દબાણ ગાડીઓ તથા 20 મજૂરોની ટીમે કામગીરી બજાવી હતી. આ કામગીરી દરમ્યાન 4 દરગાહ, 1 કબ્રસ્તાન, 1 મંદિર તેમજ 1 દેરી સહિત કુલ 7 ધાર્મિક પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખએ જણાવ્યું હતું કે “આ કાર્યવાહી કોઈ ધાર્મિક ભાવનાને ટાંકવા માટે નહીં, પરંતુ જાહેર માર્ગો અને નેશનલ હાઈવે પરના ટ્રાફિક વ્યવસ્થાપન માટે હતી. કપાતમાં આવતા કોમર્શિયલ તથા રહેણાંક દબાણોની પણ સર્વે અને કાર્યવાહી ચાલુ રહેશે.
આ પ્રયાસો શહેરી વિકાસ અને નાગરિકોની સુવિધા માટે અનિવાર્ય છે.”પ્રશાસન દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્વેચ્છાએ દબાણો દૂર કરે તથા શહેરના વિકાસમાં સહકાર આપે. આવતીકાલે પણ કામગીરી પુલીસ બંદોબસ્ત હેઠળ ચાલુ રહેશે.