વડોદરા બ્રીજઃ તારથી ખેંચી ટ્રકને સીધો કરતા વધુ ત્રણ વ્યક્તિના મૃતદેહો મળી આવ્યા

એક સપ્તાહ પહેલા જ કરેલી તપાસમાં બ્રિજમાં કોઈ નુકસાની જોવા મળી ન હતી
(એજન્સી)વડોદરા, મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો આશરે ૪૦ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બની હતી. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા.
આ ઘટનાની જાણ થતા ટોળે વળેલા લોકોનો તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. લોકો જણાવી રહ્યા હતા કે ૪૫ વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે આ દુર્ઘટના સર્જાઇ છે. આ દુર્ઘટના માટે માત્રને માત્ર તંત્ર જવાબદાર હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો.
મૃત્યુઆંક 10થી વધીને 13 થયો, છેલ્લા 12 કલાકથી ચાલી રહી રેસ્ક્યુ કામગીરી મોડી રાત સુધી ચાલી રહી છે. નદીમાં કીચડ અને સિરામિક ટાઇલ્સ ભરેલા ટ્રકને ખસેડી ત્યાં શોધ ખોળ કરવામાં આવી રહી છે. એક ટ્રકને તારથી ખેંચી હિટાચી મશીન સાથે બાંધી ટ્રકને સીધો કરતા વધુ ત્રણ વ્યક્તિના મૃતદેહો મળી આવ્યા હતા. જેમાંથી 2 વ્યક્તિની ઓળખ થઈ છે.. એક દ્વારકાના મહેન્દ્રભાઈ પર્વતભાઇ હથીયા અને બીજા આંકલાવના વિષ્ણુભાઈ રાવલ.
બ્રિજ દુર્ઘટનાને લઈને મુખ્ય ઈજનેરનો ચોંકાવનારો દાવો કર્યો છે “ગયા સપ્તાહે જ તપાસ કરી જેમાં કોઈ નુકસાની જોવા ન મળી હતી, ગયા વર્ષે જ બ્રિજના સ્ટ્રક્ચરમાં નુકસાની જણાઈ હતી, જેનું સમારકામ થયું હતું,ચાલુ વર્ષે પણ માર્ગ-મકાનની તપાસમાં નુકસાન સામે આવ્યું હતું,
બેરિંગ કોટમાં ચાલુ વર્ષે જ સમારકામ કરાયું હતું.સમારકામ હમણાં જ થયું હોય તો બ્રિજ તુટી કેવી રીતે પડ્યો? જવાબમાં ઈજનેરે જણાવ્યુ કે ગયા સપ્તાહે જ બ્રિજની મરામત થઈ’ હવે ગંભીર સવાલ એ છે કે એવું તો કેવું સમારકામ થયું કે, બ્રિજ જ તુટી પડ્યો? બ્રિજ પર સતત વાહનોની અવરજવર હતી, ગંભીરતા કેમ ન લીધી?
પુલનું પુનઃકાર્ય શરૂ ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર, પાદરા-આણંદને જોડતા ગંભીરા પુલ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. વધુમાં, ઉમેટા બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગોમાં, તારાપુરથી વડોદરા જતા ભારે વાહનોને સીધા વાસદ થઈને વડોદરા તરફ જવાનું રહેશે. બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનોને ગંભીરા બ્રિજ તરફ જવાને બદલે ઉમેટા થઈને નીકળવા અને ભારે વાહનોને વાસદ રૂટનો ઉપયોગ કરવા જણાવાયું છે. પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતા વાહનોને ગંભીરા બ્રિજની જગ્યાએ નાના વાહનોને ઉમેટા તરફ અને મોટા વાહનોને વાસદ થઈને નીકળવાનું રહેશે.