Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુ. કોર્પોએ ૨૦૨૩ થી ૨૦૨૬ દરમિયાન રૂ.૨૫,૦૦૦ કરોડના વિકાસ કામો કર્યા

રોડ, પાણી પુરવઠા, ડ્રેનેજ, આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના કામોમાં તેજ ગતિ, ૨૦૨૪-૨૫માં અંદાજિત ખર્ચ રૂ. ૧૧,૨૯૦ કરોડઃ દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના છેલ્લા ત્રણ નાણાકીય વર્ષના બજેટની રીવ્યુ બેઠક મેયર ના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમીટી રૂમ માં મળી હતી. આ બેઠકમાં કમિશનર સહિત પદાધિકારીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ના વર્ષોમાં હાથ ધરાયેલ અને યોજાનાર વિકાસકામો તથા તેમના ખર્ચ અને અમલ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૪-૨૫માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ રૂ. ૫,૫૦૧ કરોડના ખર્ચના અંદાજિત બજેટ સામે અત્યાર સુધીમાં કુલ રૂ. ૨,૮૮૩.૫૦ કરોડના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. એમાંથી રૂ. ૨,૬૩૩.૫૮ કરોડના ટેન્ડરોને મંજૂરી મળી ગઈ છે. ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં રૂ. ૩,૮૭૦.૮૪ કરોડના કામો પૂર્ણ થયાં છે અને આગામી સમયમાં રૂ. ૫,૪૧૯.૮૦ કરોડના કામો હાથ ધરવામાં આવશે.

કુલ મળીને અંદાજિત ખર્ચ રૂ. ૧૧,૨૯૦.૬૪ કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે. (પ્રોવિઝનલ અંદાજ મુજબ) આગામી વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ. ૧૪,૧૦૦ કરોડના ખર્ચના અંદાજ સામે અત્યાર સુધીમાં સ્ટેન્ડિંગ કમિટીએ રૂ. ૮,૨૨૮.૦૮ કરોડના ટેન્ડરો મંજૂર કર્યા છે. ટેન્ડર પ્રક્રિયામાં રહેલા ખર્ચનો અંદાજ રૂ. ૨,૧૫૫.૦૨ કરોડનો છે.

અત્યાર સુધીના ટેન્ડર અને ટેન્ડર પ્રક્રિયામાં રહેલા કામો મળીને કુલ રૂ. ૧૦,૩૮૩.૧૦ કરોડ થાય છે. ૩૦-૦૬-૨૦૨૫ સુધીના ખર્ચના આંકડા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં રૂ. ૨,૮૭૩.૦૦ કરોડના કામો પૂર્ણ કરાયા છે.

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન પણ કોર્પોરેશન દ્વારા નોંધપાત્ર કામો પૂર્ણ કરાયા હતા. વિકાસ કાર્યમાં મુખ્યત્વે રોડ વિભાગ, પાણી પુરવઠા, ગટર લાઇન, આરોગ્ય વિભાગ, બગીચા વિકાસ, શહેરી સુવિધાઓ, સ્માર્ટ સિટી, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રકચર વિભાગે આગવી ભૂમિકા ભજવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને સીધી અસર પહોંચે એવા વિકાસકાર્યો, જેમ કે રસ્તા મરામત, નવી રોડલાઇન, ડ્રેનેજ અને પાણીના નેટવર્ક, એરપોર્ટથી સીધા જોડાણ ધરાવતા કોર્પોરેટ રોડ, સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સ, ઝોનલ સેન્ટરોનો વિકાસ અને આરોગ્ય કેન્દ્રોની સ્થાપના વગેરે કામગીરી હાથ ધરાઈ છે.

આગામી સમયમાં વધુ ટેન્ડરો બહાર પાડવાની અને પહેલાંથી મંજૂર કામો ઝડપથી પૂર્ણ કરવાની યોજના બનાવવામાં આવી છે. તેમાં વધુ રોકાણ, ખાસ કરીને પબ્લિક હેલ્થ, પાણી પુરવઠા અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે કરવામાં આવશે. અમદાવાદ શહેરનો સહયોગ અને નાગરિકોની ભાગીદારી સિવાય વિકાસ શક્ય નથી.

શહેરના દરેક નાગરિકનો હક્ક છે કે તે સચોટ માહિતી જાણે અને વિકાસ કાર્યની પ્રગતિ અંગે અવગત રહે. વર્ષ ૨૦૨૩ થી લઈને ૨૦૨૬ સુધીના ત્રણ વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. ૨૫,૦૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યો હાથ ધરાવા જઇ રહ્યાં છે. નગરના તમામ વર્ગોને લાભ થાય તેવા પ્રોજેક્ટ્‌સ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.