છેતરપિંડીના ગુનામાં દરિયાપુર પોલીસે આ શખ્સની ધરપકડ કરી

AI Image
નકલી પેમેન્ટના સ્ક્રીન શોટ અને મેસેજ મોકલીને વેપારીઓ સાથે છેતરપિંડી કરતો -છેતરપિંડીના ગુનામાં ધરપકડ
(એજન્સી)અમદાવાદ, અત્યાર સુધી નકલી અધિકારી, નકલી પોલીસ આૅફિસર જોયા છે પણ દરિયાપુર પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી છે જે મોંઘીદાટ અને કિંમતી વસ્તુઓ ખરીદવા માટે નકલી પેમેન્ટના સ્ક્રીન શોટ અને મેસેજ મોકલીને વેપારીઓ સાથે છેતરપિંડી કરતો હતો. પોલીસે છેતરપિંડી કરનાર સુદર્શન યુવરાજ રેડ્ડીને દરિયાપુરમાંથી દબોચ્યો.
અમદાવાદમાં છેતરપિંડીના ગુનામાં દરિયાપુર પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે. મૂળ બેંગલોરના વતની સુદર્શન યુવરાજ રેડ્ડીને મોંઘીદાટ અને બ્રાન્ડેડ વસ્તુઓ પહેરવાનો શોખીન હતો પણ રૂપિયા ના હોવાના કારણે તેનો આ શોખ પૂરો નહોતો થઈ શકતો. એટલે આ ગઠિયાએ પોતાનો શોખ પૂરો કરવાનો નવો કીમિયો શોધી કાઢ્યો.
આરોપી કોઈ પણ જગ્યા પરથી કપડાં, બુટ કે અન્ય કોઈ પણ બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ ખરીદી કરી આૅનલાઇન પેમેન્ટ કરવાનો આગ્રહ રાખતો. ઓનલાઇન પેમેન્ટ માટે પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા ના હોય તો પણ બારકોડ સ્કેન કરતો અને ટ્રાન્જેક્શન કેન્સલ થાય તેનો સ્ક્રીન શોટ એડિટ કરી વેપારીને બતાવતો અને ત્યારબાદ પેમેન્ટ કરી દીધું હોવાનો વિશ્વાસ અપાવી ખરીદી કરી પલાયન થઈ જતો હતો.
અમદાવાદમાં પણ આરોપી જે ૫ સ્ટાર હોટલમાં રોકાયો હતો તે હોટલમાં પણ આ જ ટ્રીકથી પેમેન્ટ કરીને હોટલના મેનેજરને ઉલ્લુ બનાવ્યો હતો. આરોપીએ જયારે દરિયાપુરમાં એક જ્વેલર્સમાંથી સોનાની ખરીદી કરી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો. જવેલર્સની દુકાનમાંથી આરોપીએ દોઢ તોલાની સોનાની ચેઇનની ખરીદી કરી વેપારીને પોતાની મોડસ ઓપરેન્ડી મુજબ કહ્યું કે તમારા ખાતામાં પૈસા જમા થયા છે
પરંતુ પેમેન્ટ થયાનું બતાવતું નથી. જો કે થોડો સમય થવા છતાં પણ પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા ના થયા હોવાની જાણ થતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તપાસ કરતા દરિયાપુર પોલીસે આ મામલાની તપાસ કરતાં છેતરપિંડી કરવાનો આ નવી મોડસઓપરેન્ડીનો પર્દાફાશ થયો અને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો.