સ્કૂલ બહાર જ સ્થાનિકો પ્રાણીઓના હાડકા સાથે ગંદો કચરાની નિકાલ સ્કૂલની દીવાલ પર કરે છે

પાલિકાની ગંભીર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો- સુરતમાં સમિતિની સ્કુલની બહાર કચરાના ઢગલાઓ
સુરત, સુરત મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ગંભીર બેદરકારીને કારણે સમિતિની શાળામાં અભ્યાસ કરતા બાળકો અને શિક્ષકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.
પાલિકાની નબળી કામગીરીના કારણે સગરામપુરા ટપાલ મંડપ પાછળ આવેલી સ્કૂલ બહાર જ સ્થાનિકો પ્રાણીઓના હાડકા સાથે ગંદો અને ગંધાતા કચરાનો નિકાલ સ્કૂલની દીવાલ પર કરે છે. આ કચરાના કારણે વાસ આવી રહી છે અને તેમાં આ બાળકો અભ્યાસ કરી રહ્યાં હોવાથી તેમના આરોગ્ય સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સગરામપુરા વિસ્તારમાં આવેલી શાળા બહાર માથાભારે તત્વો ગેરકાયદે દબાણ કરતા હોવાની ફરિયાદ હતી. આ ફરિયાદ બાદ સમિતિના ચેરમેને સેન્ટ્રલ ઝોનને પત્ર લખી દબાણ હટાવવા જણાવ્યું હતું. જોકે એકાદ દિવસ આ દબાણ અંશતઃ દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ હવે ફરીથી બંને શાળા બહાર દબાણ થઈ રહ્યા છે. માથાભારે દબાણ કરનારાઓ વિદ્યાર્થીઓ માટે જોખમ બની રહ્યા છે તે ફરિયાદનો અંત હજી આવ્યો નથી ત્યાં સમિતિની શાળા માટે વધુ એક આફત બહાર આવી છે.
સગરામપુરા તૈયબજી મહોલ્લાના નાકે આવેલી શિક્ષણ સમિતિની ઉર્દુ અને ગુજરાતી માધ્યમની શાળા ચાલે છે. આ શાળા રહેણાંક વિસ્તારમાં આવેલી છે અને અનેક સ્થાનિકોના બાળકો પણ આ શાળામાં અભ્યાસ કરે છે. જોકે, આ વિસ્તારના કેટલાક લોકો સુરતની સુંદરતા સામે વિલન બની રહ્યાં છે અને જાહેરમાં કચરાનો નિકાલ કરે છે.
કેટલાક સ્થાનિકો ઘરના કચરા સાથે પ્રાણીઓના હાકડા સાથેનો કચરાનો નિકાલ પણ જાહેરમાં કરી રહ્યાં છે. પ્રાણીઓના હાડકા ઉપરાંત અન્ય કચરાનો ઢગલો કેટલાક લોકો સમિતિની સ્કુલની દિવાલ નજીક કરે છે. જ્યાં કચરાનો ઢગલો કરવામા આવે છે તેની ઉપર જ વર્ગખંડની બારી આવેલી છે.
હાકડા સાથે ગંદો ગંધાતો કચરો ઠલવાઈ રહ્યો છે તેની વાસ શાળામાં આવી રહી છે. તો કેટલીક વખત સફાઈ કામદારો ભેગો કરેલો કચરો શાળાની દીવાલને અડીને જ મૂકે છે તેવી પણ ફરિયાદ છે. આ ગેરકાયદે પ્રવૃત્તિ પાલિકા તંત્ર રોકવામાં સદંતર નિષ્ફળ ગયું છે. જેના કારણે આ કચરો વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે જોખમી બની રહ્યો છે.
આ ઉપરાંત આ શાળાની દિવાલને અડીને કેટલાક લોકો વાહનો પણ પાર્ક કરે છે જેના કારણે બાળકો વિદ્યાર્થી અને વાલીઓને મુશ્કેલી પડી રહી છે. આ બંને દબાણ કાયમી ધોરણે દૂર કરવા માટે માંગણી થઈ રહી છે. શાળાની દીવાલને અડીને આવેલો કચરાની સમસ્યા તાકીદે દૂર કરવામાં નહીં આવે તો શહેરની સ્વચ્છતા સાથે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય પણ જોખમાઈ તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.