ડીઝલ પુરાવવા આવેલ ઈસમોએ પેટ્રોલ પંપના કર્મચારીને માર મારતા પોલીસ ફરિયાદ

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ ગામ નજીક એક પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવવા આવેલ ઇસમોએ પેટ્રોલ પંપના કર્મચારી સાથે ઝઘડો કરીને માર માર્યો હોવા બાબતે ત્રણ ઈસમો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ અંગે ઝઘડિયા પોલીસ મથક માંથી મળતી વિગતો મુજબ મુલદ ગામ નજીક ધનરાજ એન્ટરપ્રાઈ નામે પેટ્રોલ પંપ આવેલો છે.આ પેટ્રોલ પંપ ઉપર અંકલેશ્વર તાલુકાના માંડવા ગામનો યુવરાજસિંહ જગદીશસિંહ ચૌહાણ નામનો યુવક નોકરી કરે છે.ગતરોજ તા.૭ મીના રોજ સાંજના સાત વાગ્યે યુવરાજ પેટ્રોલ પંપ પર નોકરીએ આવ્યો હતો.ત્યાર બાદ રાતના સાડા અગિયાર વાગ્યાના અરસામાં પેટ્રોલ પંપ પર ઘરાકી ન હોઈ તે મેનેજરની ઓફિસમાં જઇને સુઇ ગયો હતો.
ત્યાર બાદ રાતના પોણા એક વાગ્યાના અરસામાં મુલદ ગામનો નરેશ શાંતિલાલ વસાવા નામનો ઇસમ પેટ્રોલ પંપ પર આવ્યો હતો અને યુવરાજસિંહનો હાથ પકડીને ઉભો કરીને બહાર લાવ્યો હતો,અને ડીઝલ ભરવાનું જણાવ્યું હતું.યુવરાજસિંહે ડીઝલના પૈસા પહેલા ઓનલાઇન નાંખવાનું જણાવતા તેણે ના પાડી હતી તેથી યુવરાજસિંહ પાછો ઓફિસમાં જતો રહ્યો હતો.
ત્યાર બાદ નરેશ ફરીથી યુવરાજસિંહને ઓફિસમાંથી બહાર લાવ્યો હતો અને નરેશ અને તેની સાથેના આકાશ નામના ઈસમે યુવરાજસિંહને માર માર્યો હતો.ત્યાર બાદ નરેશ તેની સાથેના કાર્તિક વસાવા નામના ઈસમ સાથે ઓફિસની પાછળ ગયો હતો અને થોડીવારમાં પિયુશ લાલજી પટેલને લઈને તે લોકો આગળ આવ્યા હતા.આ પિયુશભાઈએ યુવરાજસિંહને જણાવેલ કે નરેશે તેને ઢિકાપાટુનો માર માર્યો હતો.
નરેશ અને આકાશે ગાળો બોલીને મારી નાંખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ડીઝલ ભરાવ્યા વગર જતા રહ્યા હતા.આ ઘટના સંદર્ભે યુવરાજસિંહ ચૌહાણે નરેશ શાંતિલાલ વસાવા રહે.ગામ મુલદ તા.ઝઘડિયા તેમજ આકાશભાઈ અને કાર્તિકભાઈ વસાવા નામના ઈસમો સહિત ત્રણ લોકો સામે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.