‘ભારત બંધ’ને નબળો પ્રતિસાદ પ. બંગાળમાં કેટલાક સ્થળે હિંસા

નવી દિલ્હી, દેશના ૧૦ જેટલા કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા અપાયેલા દેશવ્યાપી હડતાળના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા હિંસાના બનાવોને બાદ કરતા એકંદરે બંધ શાંતિપૂર્ણ રહ્યું હતું.
ડાબેરી રાજ્યોમાં જડબેસલાક અસર હતી જ્યારે અન્ય રાજ્યોમાં હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દેશમાં પુડુચેરી, આસામ, બિહાર, ઝારખંડ, તમિલનાડુ, પંજાબ, કેરળ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગોવા, મેઘાલય અને મણિપુર વગેરે રાજ્યોમાં બંધ સફળ હતું.
બેન્કિંગ, પોસ્ટ, વીમા તથા કોલ માઈનિંગ સહિતના ક્ષેત્રોમાંથી લાખો કામદારો હડતાળમાં જોડાયા હતા. પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લામાં ડાબેરી કાર્યકારો તથા પોલીસ અને ટીએમસીના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાત સહિતના રાજ્યોમાં ઔદ્યોગિક તથા ક્ષેત્રિય એકમોમાં હડતાળ રહી હતી.
ખાનગી બેન્કો તથા એસબીઆઈ, પીએનબી અને બીઓબી સહિતની અગ્રણી પેએસયુ બેન્કો બંધમાં જોડાઈ નહતી. એઆઇબીઈએના જનરલ સેક્રેટરી સીએચ વેંક્ટચલમે જણાવ્યું હતું કે, બેન્કો બંધ રહેવાથી દેશભરમાં અંદાજે રૂ. ૨૦ લાખ કરોડ મૂલ્યના ચાર કરોડ ચેક અટવાયા હતા.
દિલ્હીમાં હડતાળની નહીંવત અસર જોવા મળી હતી અને ૭૦૦ બજારો તથા ૫૬ ઔદ્યોગિક વિસ્તારોમાં કામકાજ ચાલુ હોવાનું સીઆઈઆઈના ચેરમેન બ્રિજેશ ગોયલે જણાવ્યું હતું. આસામમાં ચાના બગીચાના કામદાર સંગઠનોએ વિરોધ નોંધાવતા કામથી અળગા રહ્યા હતા. હિન્દ મજદૂર સભા સહિતના ટ્રેડ યુનિયનોએ હડતાળનું આહ્વાન કર્યું હતું.SS1MS