Western Times News

Gujarati News

અમદાવાદ પ્લેન ક્રેશનો પ્રાથમિક તપાસ રિપોર્ટ બે દિવસમાં જાહેર થશેઃ એએઆઈબી

નવી દિલ્હી, અમદાવાદમાં ૧૨ જૂને ઘટેલી એર ઈન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ બે દિવસમાં જાહેર થશે તેમ ધ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈવેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી)એ બુધવારે જણાવ્યું હતું.

આ દુર્ઘટનામાં ૨૭૦થી વધુ લોકોનાં મોત નિપજ્યા હતા. સૂત્રોના મતે આ દેશની સૌથી ભયાવહ વિમાન દુર્ઘટના પૈકીની હતી અને તેની તપાસ ચાલુ હોવાથી અંતિમ અહેવાલ હજી સુધી તૈયાર થયો નથી. આ વિમાન દુર્ઘટનામાં એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ટેકઓફની ગણતરની સેકન્ડમાં જ ક્રેશ થઈ હતી.

એએઆઈબીના અધિકારીઓએ સંસદીય પેનલને જણાવ્યું હતું કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનના બ્લેક બોક્સ અને વોઈસ રેકોર્ડર સુરક્ષિત મળ્યા હતા અને ડેટાની તપાસ ચાલુ છે. એરક્રાફ્ટ ઉત્પાદન કરતી કંપની બોઈંગ સહિતના વિદેશી નિષ્ણાતોની તપાસમાં મદદ લેવામાં આવી છે.

એએઆઈબીએ પ્લેન ક્રેશના બીજા જ દિવસથી ડાયરેક્ટર જનરલ જીવીજી યુગાંધરના વડપણ હેઠળ વિવિધ ટીમોની મદદથી વૈશ્વિક ધોરણો મુજબ તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો.

એએઆઈબીના વડાએ દિવસ દરમિયાન ચાલેલી પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ પર સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં સાંસદોના સવાલોના જવાબો આપ્યા હતા.

આ બેઠકના અધ્યક્ષ જેડી-યુ સાંસદ સંજય ઝા હતા અને બેઠક સવારે ૧૦થી સાંજના છ સુધી આશરે નવ કલાક સુધી ચાલી હતી. સંસદીય સમિતિમાં પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી રાજીવ પ્રતાપ રુડી, કોંગ્રેસના કુમારી શૈલજા, નીરજ ડાંગી તથા ઈમરાન પ્રતાપગઢી ઉપરાંત ભાજપના સુરેન્દ્ર સિંઘ નાગર અને તાપિર ગાઓ સહિત વિવિધ પક્ષોના સભ્યોનો સમાવેશ છે.

સાંસદોએ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે સુરક્ષાને લઈને કેટલાક વેધક સવાલો પણ કર્યા હતા. પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવાની સમય મર્યાદા અંગે અધિકારીઓએ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ એએઆઈબીના ટોચના અધિકારીના મતે બે દિવસમાં રિપોર્ટ તૈયાર થશે.

આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંસ્થાના નિયમો મુજબ એએઆઈબી પ્રાથમિક રિપોર્ટ દુર્ઘટનાના એક મહિનાની અંદર સોંપી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.