ઘોઘા-હજીરા રોપેક્ષ જહાજ દરિયામાં ખોટકાયું

ભાવનગર, ભાવનગરના ઘોઘાથી ગઈ કાલે સાંજે ૫.૨૦ કલાકે હજીરા જવા નીકળેલું ઘોઘા-હજીરા રોપેક્ષ સર્વિસનું વોયેજ એક્સપ્રેસ જહાજ ટેકનિકલ ખામીને કારણે દરિયામાં ખોટકાયું હતું. અંદાજે ૨૪૫ મુસાફરોને લઈને નીકળેલું આ જહાજ બે કલાક સુધી દરિયામાં ફસાયેલું રહ્યું હતું, જેને કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, જહાજ ટ‹નગ સર્કલમાં અટકી પડ્યું હતું અને બોયા એન્જિનના પંખામાં સલવાઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. ચોમાસાના કારણે દરિયામાં ભારે કરંટ હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.
નેવિગેશન બોયાને કારણે વોયેજ એક્સપ્રેસ બે કલાક સુધી દરિયામાં ખોટકાયું હતું અને અનેક પ્રયત્નો કરવા છતાં તે હજીરા તરફ આગળ વધી શક્યું ન હતું.બે કલાકની જહેમત બાદ આખરે ઘોઘા તરફ પાછા વળવાનો નિર્ણય લેવાયો હતો.
દરિયામાં કરંટ હોવા છતાં મહામહેનતે ટગની મદદથી જહાજને ખેંચીને જેટી સુધી લાવવામાં આવ્યું હતું. રાત્રે ૧૦.૩૦ કલાકે ૨૪૫ મુસાફરો અને અનેક વાહનો ભરેલું આ જહાજ સહીસલામત ઘોઘા પરત ફર્યું હતું.જહાજ ફસાતા હજીરા ખાતે રાહ જોઈ રહેલા લોકો ચિંતાતુર બન્યા હતા. ઉપરાંત, મધદરિયેથી મુસાફરોએ પરિવારજનોને ફોન કરતા તેઓ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા.
જોકે, તમામ લોકો સહીસલામત પરત ફરતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાથી મુસાફરોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો.SS1MS