બ્રિજની સ્થિતિ અંગે ગુજરાત સરકારે હાઈકોર્ટને ગુમરાહ કરી

અમદાવાદ, મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે દખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજીમાં ગુજરાત હાઈકોર્ટે રાજય સરકાર પાસેથી રાજયના તમામ બ્રિજના ઈન્સ્પેકશન, તેની સ્થિતિ સહિતનો વિગતવાર રિપોર્ટ અગાઉ માંગ્યો હતો, જેમાં રાજય સરકારે રાજયના તમામ બ્રિજના નિરીક્ષણ સહિતની વાત જણાવી લગભગ તમામ બ્રિજ યોગ્ય સ્થિતિમાં એટલે કે, સબ સલામત હોવાનો દાવો કર્યાે હતો પરંતુ સરકારના આ દાવા અને ખુદ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આપેલી ખાતરી ખોટી, અદાલતને ગેરમાર્ગે દોરનારી અને પોકળ સાબિત થઈ છે.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસની સુનાવણી દરમિયાન ગયા વર્ષે જ ખુદ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે રાજયના અન્ય બ્રિજની સ્થિતિને લઈ બહુ ગંભીર ચિંતા વ્યકત કરી હતી અને આવી દુર્ઘટના ફરી ના બને અને નિર્દાેષ નાગરિકોના જીવ ના જાય તે માટેની સરકારને કડક તાકીદ કરી હતી.
હાઇકોર્ટે સરકારને રાજયના તમામ બ્રિજનું ચોમાસા પહેલા અને ચોમાસા પછી ઈન્સ્પેકશન કરવા અને તેનો સ્ટેટસ રિપોર્ટ તૈયાર કરવા પણ નિર્દેશ કર્યાે હતો.
રાજય સરકાર તરફથી પણ હાઈકોર્ટને હૈયાધારણ અપાઇ હતી કે, રાજયના તમામ બ્રિજનું ચોમાસા પહેલા અને ચોમાસા પછી ઈન્સ્પેકશન કરવામાં આવશે અને તૈયાર કરવામાં આવશે. જોકે સરકારના આ આશ્વાસન દરમ્યાન ચીફ જસ્ટિસે માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન પુલ ધોવાઈ જાય છે તેથી આ બાબતે પહેલેથી જ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. ચીફ જસ્ટિસે ઉત્તરાખંડનું ઉદાહરણ પણ આપ્યું હતું અને સરકારને આ મુદ્દે ગંભીરતા રાખવા ટકોર કરી હતી.
આ કેસમાં રાજય સરકાર દ્વારા સમયયાંતરે તબક્કાવાર રાજયના તમામ બ્રિજની સ્થિતિ સહિતનો સ્ટેટસ રિપોર્ટ અને જવાબી સોગંદનામું હાઈકોર્ટમાં રજૂ કર્યું હતું અને ભારપૂર્વકની રજૂઆત કરીને બ્રિજની સ્થિતિ સબ સલામત હોવાના દાવા કર્યા હતા.
સરકાર તરફથી સંબંધિત સત્તાવાળાઓ, ઈજનેર અને સંબંધિત અધિકારીઓ દ્વારા રાજ્યના તમામ બ્રિજની ચકાસણી-નિરીક્ષણ કરીને યોગ્ય પગલાં લેવાઈ રહ્યા હોવાની વાત પણ કરી હતી અને તેને લઈને સ્ટેટ્સ રિપોર્ટ પણ રજૂ કયો હતો. જોકે સરકારના આ દાવાઓ અને રજૂઆતની પોલ આજે સર્જાયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ખુલ્લી પડી ગઈ છે.
હાઈકોર્ટે ઐતિહાસિક બ્રિજની જાળવણીને લઈ માર્ગ અને મકાન વિભાગની ક્ષમતા અંગે સવાલ ઉઠાવતાં એ વખતે સરકારને અગત્યનું સૂચન કર્યું હતું કે, ખાનગી વ્યકિતઓને બ્રિજના રીપેરીંગ કે મરામતનો કરાર આપતી વખતે તેમની ક્ષમતા, નિપુણતા સહિતની બાબતોની ચકાસણીની જવાબદારી રાજય સરકારની છે.
ઐતિહાસિક અને પ્રાચીન બ્રિજની ધરોહર જાળવવા માટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો પણ પરામર્શ આવશ્યક હોવાનો મત ચીફ જસ્ટિસે વ્યકત કર્યાે હતો અને જણાવ્યું હતું કે, નિપુણ આર્કિટેક્ટસને જ આ પ્રકારનું કામ સોંપાવું જોઇએ.
હાઈકોર્ટે બહુ માર્મિક ટકોર કરી હતી કે, વ્યકિતનું જીવન અથવા ઐતિહાસિક ધરોહર બેમાંથી એક પણ ખોવું યોગ્ય નહી લેખાય. એ વખતે રાજયના કુલ ૧૪૪૧ બ્રિજ યોગ્ય સ્થિતિમાં હોવાનું સરકારપક્ષ તરફથી અદાલત સમક્ષ જણાવાયું હતું અને જે બ્રિજ વધુ જૂના થઈ ગયા છે અને ઉપયોગમાં લઈ શકાય તેમ નથી.SS1MS