ભારતમાં વરસાદી આફતઃ પૂર્વાેત્તરમાં પૂર, ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન

નવી દિલ્હી, દેશભરમાં ચોમાસુ સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવા, ટ્રાફિક જામ, ભૂસ્ખલન અને પૂર જેવી સમસ્યાઓ સર્જાઈ છે. તેની સૌથી વધુ અસર દિલ્હી-એનસીઆરમાં જોવા મળી રહી છે, જ્યાં થોડા કલાકોના વરસાદથી શહેરના રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા હતા.
પરિસ્થિતિ એવી હતી કે ઘણાં વિસ્તારોમાં રસ્તાઓ પર વાહનો તરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત, ઉત્તરાખંડ, હિમાચલ, આસામ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પરિસ્થિતિ ચિંતાજનક છે.
અહેવાલો અનુસાર, દિલ્હી અને એનસીઆરના ઘણા ભાગોમાં બુધવારે (નવમી જુલાઈ) સાંજે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ભારત મંડપમ (પ્રગતિ મેદાન), ઝિલમિલ અંડરપાસ, કૃષ્ણા નગર, આઈટીઓ, આઉટર રિંગ રોડ, કાલકાજી, આશ્રમ, વઝીરાબાદ, અક્ષરધામ અને મથુરા રોડ જેવા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા હતા. ઘણી જગ્યાએ રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા.
આરટીઆર રોડ અને એનએચ-૪૮ પર ભારે ટ્રાફિક જામ થયો હતો. ઝાખીરા અંડરપાસ અને રોડ નંબર ૪૦ પર પાણી ભરાઈ જવાને કારણે દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડાયવર્ટ કર્યાે હતો.
ભારે વરસાદ બાદ ઉત્તરાખંડના ચમોલી અને બદ્રીનાથ હાઇવે પર ભૂસ્ખલનની સ્થિતિ યથાવત્ રહી. ચમોલીમાં વરસાદને કારણે કામેડા નંદપ્રયાગ અને અન્ય સ્લાઇડ ઝોન પર પથ્થરો પડી રહ્યા છે, જેના કારણે મુસાફરોને સલામત સ્થળોએ રોકવામાં આવ્યા છે. જ્યારે રુદ્રપ્રયાગમાં બદ્રીનાથ હાઇવે પર મુસાફરી કરવી મુશ્કેલ બની ગઈ છે.
જિલ્લા મુખ્યાલયથી લગભગ સાત કિ.મી. દૂર બદ્રીનાથ હાઇવે પર નારકોટા નજીક ટેકરી પરથી પથ્થરોનો વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે હાઇવે પર કલાકો સુધી જામ રહે છે અને ચાર ધામ યાત્રાળુઓ ઉપરાંત, સ્થાનિક લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારમે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
અત્યાર સુધીમાં ૩૧ પૂર, ૨૨ વાદળ ફાટવાના બનાવો અને ૧૭ ભૂસ્ખલનના બનાવો નોંધાયા છે. આ અકસ્માતોમાં અત્યાર સુધીમાં ૫૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં ૧૭૪ રસ્તા બંધ છે, ૭૪૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. મંડી, ઉના અને શિમલા જિલ્લામાં સામાન્ય કરતાં ૮૦થી ૯૦ ટકા વધુ વરસાદ નોંધાયો છે.SS1MS