બેંગકોકથી આવતો મુસાફર એરપોર્ટ પરથી બે કરોડના ગાંજા સાથે ઝડપાયો

અમદાવાદ , અમદાવાદ એરપોર્ટ પરથી સતત ગાંજાની હેરાફેરી વધી રહી છે, ત્યારે તમામ એજન્સીઓ આ દૂષણને દૂર કરવા કામે લાગી ગઇ છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ એ બાતમીના આધારે વધુ બે કિલો હાઇબ્રીડ ગાંજા સાથે એક મુસાફરને ઝડપી લીધો છે. થાઇલેન્ડથી આવી રહેલો મુસાફર પોતાની ટ્રોલી બેગમાં બે કરોડ રૂપિયાનો ગાંજો લઇને આવી રહ્યો હતો.
અમદાવાદ એરપોર્ટ પરથી દરરોજ ગાંજાના કન્સાઇન્મેન્ટ આવી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં એરપોર્ટ પરથી લગભગ બસ્સો કરોડ રૂપિયાનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો છે. જે અંગેની વિગતો છેક દિલ્હી સુધી પહોંચી હતી. જેને પગલે તમામ સેન્ટ્રલ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. સાથે સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, સાયબર ક્રાઇમ બ્રાંચ અને એટીએસની પણ મદદ લેવામાં આવી રહી છે.
એરપોર્ટ પોલીસને પણ બાતમીદારો એક્ટિવ કરી ગાંજાની હેરાફેરી કરતા તત્ત્વો પર વોચ રાખવા માટે હાકલ કરવામાં આવી છે. દબાણ વધતાં તમામ એજન્સીઓની ટીમ એક્ટિવ બની ગઇ છે.ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ ના અધિકારીઓએ બાતમીદારો એક્ટિવ કરી દીધા છે.
જેને પગલે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ ના અધિકારીઓ બાતમી મળી હતી કે બેંગકોકથી અમદાવાદ આવી રહેલી થાઇ એરવેઝની ફ્લાઇટમાં એક ભારતીય મુસાફર મોટા પ્રમાણમાં નશીલ પદાર્થ લઇને ભારતમાં લાવી રહ્યો છે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ ની ટીમે એર ઇન્ટેલિજન્સ યુનિટની ટીમને એક્ટિવ કરી દીધી હતી. જેથી થાઇ એરવેઝની ફ્લાઇટ લેન્ડ થઇ અને મુસાફરો કસ્ટમ્સ ક્લિયરન્સ કરાવી રહ્યા હતા ત્યારે જ એક ભારતીય યુવકને અધિકારીઓએ રોક્યો હતો.
તેની પ્રાથમિક પૂછપરછ બાદ ટ્રોલી બેગની તપાસ કરાઈ ત્યારે તેમાં છૂપાવેલા બે પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટમાં લીલા કલરની વનસ્પતિ જેને નશીલા પદાર્થ હોવાનું જણાઇ આવ્યું હતું.
તપાસ કરાવતાં તે હાઇબ્રીડ ગાંજો હોવાનું સામે આવ્યું હતું. અધિકારીઓએ કુલ ૨.૦૯૪ કિલોગ્રામ હાઇબ્રીડ ગાંજો કબજે લઇ મુસાફરની અટક કરી વધુ તપાસ શરૂ કરી છે.SS1MS