પાટડીના રાજવી પરિવારના વંશજ દરબાર શ્રી કર્ણીસિંહજી કિસનસિંહજી દેસાઈ મા ઉમિયાના દર્શને પધાર્યા

અમદાવાદ, ઉંઝા ગામમાં સ્થિત મા ઉમિયાના પાવન ધામમાં એક અતિ મહત્વના દિવસની શરુઆત થઈ હતી. ૧૮૬૯ વર્ષથી નિજધામ ઊઝામાં બિરાજમાન જગત જનની શ્રી ઉમિયા માતાજીના હાલના ભવ્ય મંદિરના નિર્માણમાં સિંહફાળો આપનાર પાટડીના રાજવી પરિવારના વંશજ દરબાર શ્રી કર્ણીસિંહજી કિસનસિંહજી દેસાઈ ઓફ પાટડી અને યુવરાજ શ્રી યશપાલસિંહજી કર્ણિસિંહજી દેસાઈ ઉમિયા માતાજીના પાવન દર્શન માટે પધાર્યા હતા.
મંદિરના પવિત્ર વાતાવરણમાં તેમણે ઉમિયા માતાજીના દર્શન કરીને માતાજીની પાદુકાનું પૂજન કર્યું. આ પવિત્ર દર્શન દરમિયાન તેમણે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને માતાજીના ચરણકમળમાં પ્રાર્થના અર્પણ કરી. પાટડી દરબારના પૂર્વજોએ સમયાંતરે ઉમિયા માતાજીના મંદિરના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.
હાલના ઉમિયા માતાજીના ભવ્ય અને એતિહાસિક મંદિરના નિર્માણ દરમિયાન પણ પાટડી દરબારના પૂર્વજોએ ઉદારતાથી સિંહફાળો આપ્યો હતો. આ યોગદાન માત્ર આર્થિક હતું તે જ નહીં પણ તેમની ધાર્મિક શ્રદ્ધા અને સમાજ પ્રત્યેના દાયિત્વને પ્રતિબિંબિત કરતું હતું. પાટીદાર સમાજના ઉત્થાન માટે પાટડી દરબાર સતત જાગૃત અને સમર્પિત પ્રયાસો કરવામાં આવ્યા હતા.
દરબાર શ્રી જોરાવરસિંહજી અને શ્રી હિંમતસિંહજી જેવા દૂરદર્શી નેતાઓએ સમાજમાંથી કુરિવાજો અને સામાજિક દુષણો દૂર કરવા માટે અને સમાજના સર્વાગી વિકાસ માટે અવિરત પ્રયત્નો કર્યા હતા. તેમના પ્રેરણાદાયક કાર્યોએ સમાજના અનેક સ્તરોમાં સુધારો લાવ્યો હતો.
આ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊઝાના પ્રમુખશ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, માનદમંત્રી શ્રી જયંતીભાઈ પટેલ, સંસ્થાના હોદ્દેદારો અને વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓની ઉપસ્થિતિમાં દરબાર શ્રી કર્ણિસિંહજી દેસાઈ તેમજ યુવરાજ શ્રી યશપાલસિંહજીનું ખેસ અને શાલથી સન્માન કરવામાં આવ્યું. આ સન્માન સમારોહ સંસ્થાના મુખ્ય હૉલમાં ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો હતો.
સ્મૃતિ રૂપે શ્રી ઉમિયા માતાજીની છબી અર્પણ કરવામાં આવી, જે આ પવિત્ર દર્શનયાત્રાને હંમેશા માટે યાદગાર બનાવે છે. આ પ્રસંગે માનદમંત્રીશ્રીએ સંસ્થાની ધાર્મિક તેમજ સમાજલક્ષી પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપી અને દરબારશ્રીને સંસ્થાના મહત્વના કાર્યોની જાણકારી આપી.
ડૉ.અમૃતભાઈએ પાટડી દરબારના એતિહાસિક યોગદાનને વિશદ રીતે રજૂ કરી સૌને માહિતી આપી હતી. તેમણે વિગતવાર માહિતી આપી કે કેવી રીતે પાટડી દરબારે વર્ષોથી માતાજીના ધામના વિકાસ અને સમાજના કલ્યાણ માટે અગ્રેસર ભૂમિકા ભજવી છે. આ સમગ્ર કાર્યક્રમ માતાજીના આશીર્વાદ અને પાટડી દરબારના ઐતિહાસિક યોગદાનની સ્મૃતિમાં સમર્પિત રહ્યો.