BAPSના પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં બોચાસણમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવાયો

વિરાટ ભક્ત મેદનીએ “तस्मै श्री गुरुवे नमः”ની ભાવના સાથે ગુરુ વંદના કરી-“યુ ટ્યુબ ચેનલ: BAPS સત્સંગ ગુજરાતી” અને “BAPS સ્વામિનારાયણ પ્રકાશ” મોબાઈલ એપ્લિકેશનનું વિમોચન કરવામાં આવ્યું
“ગુરુમાં નિર્દોષ બુદ્ધિ સહિત સેવા કરવી. ગુરુને રાજી કરવાનો ખપ રાખવો.અંતર્દૃષ્ટિ કરી, ઊંડા ઉતરી અંતરનો કચરો સાફ કરીએ તો પરિણામ આવે.” : મહંત સ્વામી મહારાજ
Ahmedabad, ગુરુવાર, તા. ૧૦ જુલાઇ ૨૦૨૫ : બોચાસણમાં બિરાજતા ગુરુહરિ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં “ગુરુપૂર્ણિમા ઉત્સવ” દેશ – પરદેશના હજારો ભક્તો માટે “ગુરુવંદના” નો અમુલ્ય અવસર લઈને આવ્યો હતો. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આર્ધ્ય સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજ દ્વારા નિર્મિત આ મહા મંદિરમાં પ્રતિવર્ષે ઉજવાતો “ગુરુપૂર્ણિમા ઉત્સવ” આ વર્ષે “तस्मै श्री गुरुवे नमः” કેન્દ્રિય વિચાર અંતર્ગત આયોજીત હતો.
બોચાસણ સ્થિત વાસદ – વટામણને જોડતા ધોરીમાર્ગ ઉપર “શ્રી સ્વામિનારાયણ બાગ”ના વિશાળ સભાગૃહમાં ભવ્યતાથી ઉજવાયેલ ઉત્સવનો લાભ લેવા માટે વહેલી સવારથી હરિભક્તો – ભાવિકોની વિશાળ મેદની ઉમટી હતી. આ પ્રસંગે ઉત્સવ સભાનો લાભ ઉપરાંત બોચાસણ મંદિરમાં ઠાકોરજીના દર્શન માટે પણ હરિભક્તોનો પ્રવાહ ઉમટ્યો હતો જે માટે પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકોએ ખૂબ સુંદર વ્યવસ્થા સંભાળી હતી.
શ્રી સ્વામિનારાયણ બાગના વિશાળ સભાગૃહમાં સવારે ૮.૧૫ કલાકે સંગીતજ્ઞ સંતો – યુવકો દ્વારા ધૂન –પ્રાર્થના – સ્તુતિગાન- ગુરુ મહિમા ગાન દ્વારા “ગુરુપૂર્ણિમા ઉત્સવ” સભાનો પ્રારંભ થયો હતો. “तस्मै श्री गुरुवे नमः” કેન્દ્રિય વિચારને લક્ષમાં રાખી વિવિધ પ્રવચનો – પ્રસંગ કથન – વિડીયો દર્શન – નૃત્યો ના સંયોજનથી ગૂંથાયેલ સમગ્ર કાર્યક્રમ સૌ શ્રોતાઓ માટે રોચક રહ્યો હતો.
વિદ્વાન સંતો અને સદગુરુ સંતોના મનન -ચિંતન સભર પ્રવચનો દ્વારા આજના ઉત્સવનો મર્મ તેમજ આધ્યાત્મિક સાધના માર્ગ સૌ માટે સુલભ થયો હતો. આધ્યાત્મિક માર્ગમાં અક્ષરબ્રહ્મ સ્વરૂપ ગુરુની પ્રાપ્તિ દુર્લભ છે, પરંતુ તે પ્રાપ્તિ થયા પછી આ માર્ગે આગળ વધવા જે સાધના કરવાની છે, તેનું ઉચિત માર્ગદર્શન ઉત્સવ સભાના પ્રત્યેક ચરણે પ્રાપ્ત થતું હતું.
વિદ્વાન સંતો પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, પૂજ્ય આદર્શજીવન સ્વામી, પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી અને સદગુરુ સંતો પૂજ્ય કોઠારી સ્વામી (ભક્તિપ્રિય સ્વામી), પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામી, પૂજ્ય વિવેકસાગર સ્વામી, વગેરે સંતોના ચિંતન સભર, અનુભવગમ્ય અને મનનીય પ્રવચનો આ પ્રસંગે પ્રસ્તુત થયા હતા. આ પ્રસંગે નૂતન પ્રકાશનો વિમોચન થયા હતા
જે અંતર્ગત “BAPS સત્સંગ ગુજરાતી” યુ ટ્યુબ ચેનલ, “BAPS સ્વામિનારાયણ પ્રકાશ” મોબાઈલ એપ્લિકેશનનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સૌના પ્રાણ પ્યારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યુ હતું કે “ગુરુમાં નિર્દોષ બુદ્ધિ સહિત સેવા કરવી. ગુરુને રાજી કરવાનો ખપ રાખવો. અંતર્દૃષ્ટિ કરી, ઊંડા ઉતરી અંતરનો કચરો સાફ કરીએ તો પરિણામ આવે. સમર્થ ગુરુવર્યો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે પરંતુ આપણે અંતર્દૃષ્ટિ કરી, તૈયારી દાખવીએ તો કામ થઈ જાય.”
કાર્યક્રમના અંતે સૌ વતી પૂજ્ય સદગુરુ સંતો તેમજ વરિષ્ઠ સંતોએ સ્વામીશ્રીને પુષ્પહારથી વધાવ્યા હતા. અંતમાં સૌ સંતો – હરિભક્તોએ ઠાકોરજી અને તમામ ગુણાતીત ગુરુવર્યોની સ્મૃતિ સાથે મંચ ઉપર બિરાજિત પ્રત્યક્ષ ગુણાતીત ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સમક્ષ મંત્ર પુષ્પાંજલી અર્પણ કરીને ગુરુવંદના કરી હતી.
આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં સંતો, આણંદ – સાંસદ શ્રી મિતેશભાઈ, ધારાસભ્યો શ્રી રમણભાઈ સોલંકી, શ્રી કમલેશભાઈ, અર્જુનસિંહ વગેરે મહાનુભાવો પધાર્યા હતા તેમનું પુષ્પહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૭૦ હજારથી વધારે હરિભક્તો – ભાવિકોએ આ ઉત્સવનો લાભ લીધો હતો.
સૌ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર બોચાસણના મહંત સદગુરુ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના માર્ગદર્શન હેઠળ કોઠારી પૂજ્ય વેદજ્ઞ સ્વામી અને “ગુરુપૂર્ણિમા ઉત્સવ”ની વ્યવસ્થામાં સામેલ તમામ સંતો, ચરોતર ઝોનના કાર્યકરો અને ૩૫૦૦ ઉપરાંત સ્વયંસેવકોએ નોંધપાત્ર સેવા કરીને ગુરુહરિનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો.