Western Times News

Gujarati News

વડોદરા-આણંદને જોડતા ગંભીરા પુલ દુર્ઘટના મામલે 4 અધિકારીઓ સસ્પેન્ડ

(એજન્સી)વડોદરા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના અંગે પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લીધા છે. માર્ગ અને મકાન વિભાગના એક કાર્યપાલક ઇજનેર, બે નાયબ કાર્યપાલક ઈજનેર અને એક મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.

વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યમંત્રીએ ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યા હતા.

ગઈકાલે આ દુર્ઘટના થયાની જાણ થઈ ત્યારથી જ મુખ્યમંત્રી દ્વારા માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં માર્ગદર્શન અપાઈ રહ્યું હતું.

મુખ્યમંત્રીએ નિષ્ણાંતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.

નિષ્ણાંતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલાં અધિકારીઓ એન. એમ. નાયકાવાલા, કાર્યપાલક ઇજનેર, યુ.સી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર અને આર.ટી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર તથા જે.વી.શાહ, મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.આ ઉપરાંત, રાજ્યના અન્ય પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.