અમદાવાદનો બહુ ચર્ચિત હાટકેશ્વર બ્રિજ તોડી પાડવામાં આવશેઃ ૬ મહિનામાં કામગીરી પૂર્ણ થશે

બ્રિજ તોડી પાડવા માટે રૂ.૩.૯૦ કરોડનો ખર્ચ થશે-આ બ્રિજનું બાંધકામ કરનાર કંપની ‘અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાકોન’ અને ડિઝાઇન કરનાર કન્સલ્ટન્ટ સામે તપાસ થશે
આ કંપની દ્વારા હાલ પલ્લવ જંકશન પાસે ફલાય ઓવર બનાવવામાં આવ્યો છે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા લગભગ ૪૨ કરોડના ખર્ચે બનેલા બ્રિજને હવે તોડી નાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આશરે ૭ વર્ષ પહેલા બનાવવામાં આવેલો આ બ્રિજ હાલમાં લગભગ ૧૫૦૦ દિવસથી બંધ છે.
હાટકેશ્વર બ્રિજ ૨૦૧૫–૧૭ વચ્ચે તૈયાર કરાયો હતો અને ૨૦૨૧માં તેમાં મોટી તિરાડો દેખાઈ હતી. ત્યારબાદ ૨૦૨૨થી ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો. IIT રૂરકી અને SVNIT જેવા સંસ્થાઓએ સ્ટ્રક્ચરલ પરીક્ષણ કર્યા બાદ આ બ્રીજ ડેન્જરસ જાહેર થયો હતો. અસુરક્ષિત બનેલા આ બ્રીજને હવે સંપૂર્ણ રીતે તોડી નખાશે. જેના માટે કોર્પોરેશને દ્વારા અંદાજે રૂપીયા ૪ કરોડ ચુકવવામાં આવશે.
અમદાવાદ શહેરના બહુ ચર્ચિત હાટકેશ્વર બ્રિજ માટે હવે અંતિમ નિર્ણય લેવાય ગયો છે તથા તેને તોડી પાડવા માટેના ટેન્ડર મંજુર પણ થયા ગયા છે. મ્યુ.ડે.કમિશ્નર મિરાંત પરિખના જણાવ્યા મુજબ હાટકેશ્વર બ્રિજ ડિમોલીશન કરવા માટે રૂ.૯.૩૧ કરોડની અંદાજથી ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા જેમા મંંબઈ સ્થિત કંપનીએ રૂ.૭.૯૦ કરોડના ભાવ ભર્યા હતા.
આ કંપની સ્ક્રેપનું વેચાણ કરી કોર્પોરેશનને રૂ. ૪ કરોડ આપશે એવી શરત રાખવામાં આવી છે તેથી કોર્પોરેશને માત્ર રૂ.૩.૯૦ કરોડ જ ચુકવવાના રહેશે. બ્રિઝ તોડવાની કામગીરી ૬ મહિનામાં જ પૂર્ણ કરવામાં આવશે. અને તે સ્થળે ગ્રાઉન્ડ ઝીરો થઈ જશે. નવો બ્રિઝ બનાવવા માટે હાલ પુરતી કોઈ જ ચર્ચા વિચારણા થઈ નથી. હાટકેશ્વર બ્રિઝ ડિમોલેશન અંગે સંપૂર્ણ ખર્ચ અજય ઈન્ફ્રાકોન પાસેથી વસુલ કરવામાં આવશે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે આ બ્રિજનું બાંધકામ કરનાર કંપની ‘અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાકોન’ અને ડિઝાઇન કરનાર કન્સલ્ટન્ટ સામે ગંભીર ઊંડાણથી તપાસ કરવામાં આવી રહી છે. આ કંપની દ્વારા હાલ પલ્લવ જંકશન પાસે ફલાય ઓવર બનાવવામાં આવ્યો છે જેનું પેમેન્ટ બાકી હોવાથી હાટકેશ્વર ડિમોલીશનનો ખર્ચ તેની પાસેથી વસુલ થઈ શકશે.