રીલ બનાવવાથી નારાજ પિતાએ સ્ટેટ લેવલ ટેનિસ ખેલાડીની હત્યા કરી

પિતાએ પોતાની દીકરી પર પાંચ વખત ફાયરિંગ કરી હતી જેમાંથી રાધિકાને ત્રણ ગોળી વાગી હતી
ગુરુગ્રામ, ગુરુગ્રામમાં ગુરુવારે (૧૦ જુલાઈ) હત્યાના બનાવની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સુશાંત લોક ફેઝ-૨માં ટેનિસ ખેલાડી રાધિકા યાદવની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.
દીકરીની રીલ બનાવવાથી પિતા નારાજ હોવાથી પોતાની દીકરીને ગોળી મારી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, રાધિકાની ઉંમર ૨૪ વર્ષની છે. રાધિકાના પિતા સોશિયલ મીડિયામાં દીકરી દ્વારા રીલ બનાવવાથી નારાજ હતા. જ્યારે તપાસમાં સામે આવ્યું છે કે, પિતાએ પોતાની દીકરી પર પાંચ વખત ફાયરિંગ કરી હતી. જેમાંથી રાધિકાને ત્રણ ગોળી વાગી હતી.
સમગ્ર મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. જ્યારે હત્યામાં ઉપયોગમાં લીધેલું હથિયાર પણ પોલીસે જપ્ત કરી લીધુ છે. તમને જણાવી દઈએ કે, રાધિકા રાજ્ય સ્તરની ટેનિસ ખેલાડી હતી અને તેણે અનેક પ્રતિયોગિતા જીતી હતી. હાલ તો પોલીસે મૃતક યુવતીનો મૃતદેહ પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.