અમેરિકન પ્રમુખ પર ફ્લોરિડાના ઘરમાં પણ હુમલો થઈ શકે: ઈરાન

તેહરાન/વોશિંગ્ટન, વરિષ્ટ ઇરાની અધિકારીએ ટ્રમ્પની હત્યાનાં કાવતરાંનો સંકેત આપતાં જણાવ્યું હતું કે તેઓની ઉપર ડ્રોન વિમાન દ્વારા હુમલો થવાની શક્યતા છે. ફ્લોરિડા સ્થિત તેમના આવાસ માર-એ-લાગોમાં તેઓ સમુદ્ર કિનારે સનબાથ લઇ હશે અને અચાનક કોઈ નાનું ડ્રોન તેમના ઉપર નિશાન સાધી પ્રહાર કરી શકે તેમ છે.
જોકે, ઈરાનની આ ધમકીને અમેરિકન પ્રમુખ ટ્રમ્પે મજાકમાં ઉડાવતા કહ્યું કે, હું સનબાથ લેતો જ નથી.ઈરાનના સર્વાેચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લા અલિ ખામેનીના વિશ્વાસુ સલાહકાર જાવેદ લારીજાનીએ ઇરાનના સરકારી ટેલિવિઝનને આપેલી મુલાકાતમાં ધમકીભર્યા સૂરમાં કહ્યું હતું કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડા સ્થિત તેમના આવાસ માર એ લાગોમાં સમુદ્ર કિનારે તડકાની મઝા લેતા હશે ત્યારે જ કોઈ નાનું એવું ડ્રોન ઓચિંતુ આવી તેમને નિશાન બનાવીને નાનું મિસાઇલ છોડી શકે છે.
આ બહુ સીધી અને સાદી વાત છે. લારીજાનીના આ નિવેદનને જાન્યુઆરી ૨૦૨૦માં અમેરિકન હુમલામાં ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા સાથે જોડવામાં આવે છે.
ઈરાને સુલેમાનીની હત્યા માટે ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા હતા અને તે સમયે પણ ટ્રમ્પ પ્રમુખ નહીં રહે તો પણ તેમની હત્યાની ધમકી આપી હતી.
તાજેતરમાં જ ઇઝરાયલ ઇરાન યુદ્ધમાં અમેરિકાએ ઇઝરાયલને સાથ આપી ઇરાનનાં ત્રણ પરમાણુ સંકુલો ઉપર પ્રચંડ બોમ્બ વર્ષા કરી હતી. જેમાં બંકર બ્લસ્ટર તરીકે ઓળખાતા ૩૦૦૦ કી.ગ્રા.ના વિનાશક બોમ્બ નાખ્યાં હતા. પરિણામે ઇરાનનો પરમાણુ ક્ષેત્ર અંગેનો કાર્યક્રમ ઓછામાં ઓછા ત્રણેક વર્ષે પાછો ઠેલાયો છે. તેથી ઇરાન અમેરિકા પર ગિન્નાયુ છે.
આયા તોલ્લા અલિ ખામેની કોઈ અજ્ઞાત સ્થળે છુપાઈ ગયા હતા. તેથી બચી ગયા છે. ઇરાનનું કહેવું છે કે તેઓ નાગરિક વીજઊર્જા ક્ષેત્ર માટે સંવર્ધિત યુરેનિયમ બનાવવાના કાર્યક્રમમાં વ્યસ્ત છે.ઈરાનની ધમકીના જવાબમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હસતા હસતા જણાવ્યું હતું કે, હું સનબાથ લેતો નથી. મને તેવામાં રસ પણ નથી. મેં કદાચ છેલ્લે સાત વર્ષની નાની વયે સનબાથની મઝા માણી હશે.
પરંતુ હા મને લાગે છે કે આ ઈરાનની ધમકી છે. મને વિશ્વાસ નથી થતો કે ઈરાન ધમકી આપી શકે છે, પરંતુ કદાચ તેણે ધમકી આપી છે.SS1MS