અલ્લુ અને દીપિકાની સાઇ-ફાઈ ફિલ્મમાં વિલ સ્મિથ જોડાઈ શકે

મુંબઈ, સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર અલ્લુ અર્જૂન હવે એક મહાકાય સાઇ-ફાઈ ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યો છે, હાલ આ ફિલ્મનું નામ નક્કી થયું નથી. આ મોટા પ્રોજેક્ટમાં પહેલી વખત અલ્લુ અર્જૂન અટલી સાથે કામ કરી રહ્યો છે, જેણે આ પહેલાં ‘જવાન’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ પણ બનાવી છે. હવે તે ૮૦૦ કરોડના ખર્ચે એક મોટી સાઇ-ફાઇ ફિલ્મ બનાવી રહ્યો છે.
આ ફિલ્મ સન પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.આ ફિલ્મમાં અલ્લુ અર્જૂન અને દીપિકા પાદુકોણ કામ કરવાના હોવાનું તો જાહેર છે, પરંતુ હવે એમાં નવા અહેવાલો છે, જેના મુજબ આ ફિલ્મમાં વિલ સ્મિથ વિલનના રોલમાં જોવા મળશે. જે ‘મેન ઇન બ્લેક’, ‘આઈ એમ લિજેન્ડ’ અને ‘ધ પર્સ્વેટ ઓફ હેપ્પિનેસ’ જેવી ફિલ્મોનો એક જાણીતો કલાકાર છે.
જો આ અહેવાલો સાચા માનવામાં આવે તો વિલ સ્મિથ પહેલી વખત કોઈ ભારતીય ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળશે, એ પણ એક વિલનના રોલમાં.
તેનાથી ઇન્ડિયન ફિલ્મનું મહત્વ વિશ્વ સ્તરે વધી જશે.આ ફિલ્મનું ઉંચું સ્તર જાળવી રાખવા માટે આ ફિલ્મમાં હોલિવૂડ સ્ટુડિયો દ્વારા વીએફએક્સનું કામ કરવામાં આવશે. જેમણે ‘સ્પાયડર મેન’, ‘એવેન્જર્સ’ અને ‘વન્ડર વુમન’ જેવી ફિલ્મના વીએફએક્સ કર્યાં હતાં. આંતરરાષ્ટ્રિય દર્શકોને ધ્યનમાં રાખીને આ ફિલ્મની સ્ટોરી અને વિઝ્યુઅલ્સ તૈયાર કરવામાં આવ્યા છે.
આ સાથે એક વધુ મજાની વાત એ પણ છે કે, તાજેતરમાં અલ્લુ અર્જૂને જાહેર કર્યું છે કે તે આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. તેનાથી અલ્લુ અર્જૂનના ફૅન્સનો ઉત્સાહ માતો નથી. ત્યારે હવે દર્શકો અલ્લુ અર્જૂન અને વિલ સ્મિથ વચ્ચેની ટક્કર જોવા માટે ખુબ ઉત્સુક છે. એવી પણ ચર્ચા છે કે, આ ફિલ્મમાં બે હિરોની સ્ટોરી હશે.
બીજો હિરો કોણ હશે એ હજુ સુધી જાહેર થયું નથી. જે કાસ્ટ જાહેર થઈ ગઈ છે, તેમાં દીપિકા પાદુકોણ, મૃણાલ ઠાકુરના નામ સામેલ છે. આ ફિલ્મ અંગે અલ્લુ અર્જૂને કહ્યું હતું, “આ મારી ૨૨મી ફિલ્મ છે, જે હું અટલી ગારુ સાથે કરી રહ્યો છું, જેણે જવાન ફિલ્મ બનાવી હતી, એણે મને સ્ટોરી કહી, જે મને ગમી, તેથી તેની સાથે કામ કરીને હું ખુશ છું. મને એની દૃષ્ટિ ગમી છે, મને લાગ્યું એ ઘણી રીતે મારા જેવી જ છે અને અમે ભારતના દર્શકો માટે એક નવો અનુભવ લઇને આવી રહ્યા છીએ.”SS1MS