“પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાના કારણે મુજપૂર – ગંભીરા બ્રિજ તૂટી પડ્યાનો કમિટીનો પ્રાથમિક અહેવાલ”

માર્ગ અને મકાન વિભાગની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ ૩૦ દિવસમાં વિસ્તૃત અહેવાલ સોંપાશે
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે બ્રિજ તૂટી પડ્યો તે ઘટના સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના આદેશ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવા આવી છે અને આ તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલ મુજબ પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાના કારણે આ બ્રિજ તૂટી પડ્યો હોવાનું નોંધાયું છે.
માધ્યમો સાથે વાત કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, માર્ગ અને મકાન વિભાગની આ સમિતિ દ્વારા ૩૦ દિવસમાં વિસ્તૃત અહેવાલ આપવામાં આવશે. તેના ટેકનિકલ અને વહીવટી કારણો સાથેનો તપાસ અહેવાલ મુખ્યમંત્રીશ્રી ને સોંપવામાં આવશે. બાદમાં તેના આધારે અન્ય નિર્ણયો લેવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં પણ બેદરકારી ધ્યાને આવી, એ માટેના જવાબદાર માર્ગ અને મકાન વિભાગના ચાર અધિકારીઓને રાજ્ય સરકારે ફરજ મોકૂફી હેઠળ મૂક્યા છે. હજુ પણ જે પગલાં લેવા પડશે, એ પગલાં રાજ્ય સરકાર ચોક્કસ લેશે.
તેમણે જણાવ્યું કે. હાલમાં બ્રિજ દુર્ઘટનામાં શોધખોળ કામગીરી અંતિમ તબક્કામાં છે. અંદર પડેલા વાહનો બહાર કાઢવામાં આવ્યા છે. હતભાગીઓનાં મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. સમગ્ર તંત્રએ ત્વરિત અને સંવેદના સાથે કામગીરી કરી છે.