Western Times News

Gujarati News

ડ્રગ્સ વિરોધી મેગા સર્ચ ઓપરેશન: મેડિકલ સ્ટોર્સની તપાસ બાદ કુલ ૧૪૪ કેસ નોંધવામાં આવ્યા

અમદાવાદ ગ્રામ્ય વિભાગમાં 

ડ્રગ્સ વિરોધી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું અમદાવાદ ગ્રામ્ય પોલીસની ૨૪ ટીમ દ્વારા

ડ્રગ્સની હેરાફેરી અને તેના ગેરકાયદેસર વેચાણ અને વિતરણને રોકવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસની ઝુંબેશ

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા તાજેતરમાં ડ્રગ્સના દુરુપયોગને રોકવા અને જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ત્રણ મુખ્ય ક્ષેત્રો પર જિલ્લા વ્યાપી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ સર્ચ ઓપરેશનમાં ડ્રગ્સની હેરાફેરી અને તેના ગેરકાયદેસર ડ્રગ્સના વેચાણ અને વિતરણને રોકવા માટે અમદાવાદ ગ્રામ્યમાં આવેલા મેડિકલ સ્ટોર્સ દ્વારા શેડ્યૂલ H દવાઓનું ગેરકાયદેસર વેચાણ, પ્રિસ્ક્રિપ્શન દવાઓ સંબંધિત નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી.

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પાન પાર્લરો દ્વારા સગીરોને તમાકુ ઉત્પાદનોના વેચાણની તપાસ, જે. જે. એક્ટ તથા સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ(COPTA) મુજબ સગીરોને તમાકુના ઉપયોગથી બચાવવા માટેનું આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

અમદાવાદ ગ્રામ્ય પોલીસની ૨૪ ટીમ દ્વારા કરવામાં આવેલા આ સર્ચ ઓપરેશનમાં સમગ્ર ટીમોનું નેતૃત્વ SDPO(સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર્સ), SHO(સ્ટેશન હાઉસ ઓફિસર્સ), SOG(સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) અને LCB(સ્થાનિક ક્રાઇમ બ્રાંચ) યુનિટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર ઓપરેશનનું સંકલન SOG PI (પોલીસ ઇન્સ્પેક્ટર) દ્વારા કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ગ્રામ્યના વિરમગામ, ધોળકા, સાણંદ અને ધંધુકા એમ તમામ ૦૪ વિભાગોમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં NDPS કેસ (ડ્રગ્સની હેરાફેરી)ના કુલ ૦૬ કેસ હેઠળ વિરમગામ વિભાગમાં ૦૧ કેસ, ધોળકા વિભાગમાં ૦૩ કેસ (બાવળામાં ૦૨(એક સ્થાનિક પોલીસ દ્વારા અને એક SOG દ્વારા), ધોળકા ટાઉનમાં ૦૧) સાણંદ વિભાગમાં ૦૨ કેસ નોંધાયા હતા. NDPS કેસની સૌથી વધુ સંખ્યા ધોળકા વિભાગમાં નોંધવામાં આવ્યા છે.

અમદાવાદ ગ્રામ્ય વિભાગમાં મેડિકલ સ્ટોર્સની તપાસ બાદ કુલ ૧૪૪ કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાં ધંધુકા વિભાગમાં ૧૬ મેડિકલ સ્ટોર્સ, વિરમગામ વિભાગમાં ૩૬ સ્ટોર્સ, ધોળકા વિભાગ ૧૯ સ્ટોર્સ અને સાણંદ વિભાગમાં ૭૩ સ્ટોર્સની તપાસ કરવામાં આવી હતી. સાણંદ વિભાગમાં સૌથી વધુ મેડિકલ સ્ટોર્સની તપાસ કરવામાં આવી હતી.

મેડિકલ સ્ટોર્સની તપાસમાં કુલ ૧૬ મેડિકલ સ્ટોર્સ નિયમોના ઉલ્લંઘનો કરતાં મળી આવેલ હતા જેમાં વિરમગામ વિભાગમાં ૦૨, ધોળકા વિભાગમાં ૦૪ ઉલ્લંઘન(તમામને નોટિસ આપવામાં આવી હતી), સાણંદ વિભાગમાં ૧૦(૨ સ્ટોર્સ સીલ કરવામાં આવ્યા હતા અને ૦૮ને નોટિસ આપવામાં આવી હતી). સાણંદ વિભાગમાં સૌથી વધુ મેડિકલ સ્ટોર્સ નિયમોના ઉલ્લંઘનો થતા પકડવામાં આવ્યા હતા.

જે.જે. એક્ટ(સગીરોને તમાકુનું વેચાણ) હેઠળ કુલ કેસ ૦૩ કેસ નોંધવામાં આવ્યા હતા. આ તમામ ૦૩ કેસ સાણંદ વિભાગમાં નોંધાયા હતા. તદુપરાંત, COPTA કેસ (સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ) હેઠળ કુલ ૩૬૯ કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાં ધંધુકા વિભાગમાં ૪૦ કેસ, વિરમગામ વિભાગમાં ૫૭ કેસ, ધોળકા વિભાગમાં ૮૭ કેસ, સાણંદ વિભાગમાં ૧૮૫ કેસ નોંધાયા હતા. સાણંદ વિભાગમાં COPTA કેસની સંખ્યા નોંધપાત્ર રીતે સૌથી વધુ જોવા મળી હતી. COPTA હેઠળ રૂ. ૫૪,૪૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જેમાં ધોળકા વિભાગમાં રૂ.૧૭,૪૦૦, સાણંદ વિભાગમાં રૂ. ૩૭,૦૦૦ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. સાણંદ વિભાગમાં સૌથી વધારે દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.