ભારતની જનસંખ્યા ૧૪૬ કરોડે પહોંચી

નવી દિલ્હી, ૧૧ જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે ભારતની વસતી સંબંધિત યુએનનો એક અહેવાલ પણ બહાર આવ્યો છે, જેમાં મહત્વપૂર્ણ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ભારત ૨૦૨૫ સુધીમાં અંદાજિત ૧.૪૬ અબજ લોકો સાથે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ રહેશે.
જોકે, દેશનો કુલ પ્રજનન દર ૨.૧ થી ઘટીને ૧.૯ થયો છે. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડએ મંગળવારે જાહેર કરેલા અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. ૨૦૨૫ વર્લ્ડ પોપ્યુલેશન ડેટા રિપોર્ટમાં દર્શાવ્યું છે કે વાસ્તવિક સંકટ વધતી વસતી નથી, પરંતુ લોકોના સ્વતંત્ર અને જવાબદારીપૂર્વક નિર્ણય લેવાના અધિકારમાં વ્યાપક પડકારોમાં છે કે તેઓ બાળકો ઇચ્છે છે કે નહીં, ક્્યારે ઇચ્છે છે અને કેટલા બાળકો ઇચ્છે છે.
યુએનના રિપોર્ટમાં અંદાજ છે કે, ભારતની વર્તમાન વસતી ૧૪૬.૩૯ કરોડ છે. ભારત હવે વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે. જેની વસતી લગભગ ૧.૫ અબજ છે. વસતીમાં ઘટાડાનું વલણ શરૂ થાય તે પહેલાં વસતી ૧.૭ અબજે પહોંચવાનો અંદાજ છે.
ભારતમાં કુલ પ્રજનન દરહાલમાં પ્રત્યેક મહિલાને ૨.૦ બાળક છે. આનો અર્થ એ છે કે ભારતમાં એક મહિલાને તેના પ્રજનન વર્ષો દરમિયાન (સામાન્ય રીતે ૧૫-૪૯ વર્ષની વયની) સરેરાશ ૨ બાળકો થવાની ધારણા છે. સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમના ૨૦૨૧ ના અહેવાલ મુજબ, ૨૦૨૦થી આ દર સ્થિર રહ્યો છે.
જો કે, નવા રિપોર્ટમાં પ્રજનન દર ઘટી ૧.૯ બાળક પ્રતિ મહિલા થયો છે. માઈગ્રેશન વિના આગામી પેઢીમાં વસતીની સંખ્યા જાળવી રાખવા આ દર પર્યાપ્ત નથી. જન્મ દર ધીમો પડ્યો હોવા છતાં યુવાનોની વસતી મહત્ત્વપૂર્ણ છે. જેમાં ૦-૧૪ વય જૂથના ૨૪ ટકા, ૧૦-૧૯ વય જૂથના ૧૭ ટકા અને ૧૦-૨૪ વય જૂથના ૨૬ ટકા છે. જ્યારે ૬૮ ટકા વસ્તી ૧૫-૬૪ વય જૂથની છે, ત્યારે વૃદ્ધ વસ્તી (૬૫ અને તેથી વધુ) ૭ ટકા છે.
બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પ્રજનન દર હજુ પણ ઊંચો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે અહીં, ગર્ભનિરોધક, આરોગ્ય સેવાઓ અને ફેમિલી પ્લાનિંગનો અભાવ હોવાથી પ્રજનન દર ઊંચો છે. બીજી બાજુ, દિલ્હી, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં પ્રજનન દર રિપ્લેસમેન્ટ લેવલ (પ્રતિ મહિલા ૨ બાળકો)થી નીચુ રહ્યું છે.
અહીં ખર્ચ અને કાર્ય-જીવન સંઘર્ષને કારણે જીવનસાથીઓ બાળજન્મમાં વિલંબ કરી રહ્યા છે અથવા બાળકો પેદા કરી રહ્યા નથી, ખાસ કરીને શિક્ષિત મધ્યમ વર્ગની મહિલાઓમાં પ્રજનન દર ઘટ્યો છે. યુએનએફપીએ ભારતના પ્રતિનિધિ એન્ડ્રીયા એમ. વોજનરે જણાવ્યું હતું કે, ભારતે પ્રજનન દર ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, ૧૯૭૦ માં પ્રતિ મહિલા લગભગ પાંચ બાળકોથી આજે લગભગ બે બાળકો સુધી ઘટાડો કર્યો છે. આ વધુ સારા શિક્ષણ અને પ્રજનન સ્વાસ્થ્ય સેવાઓની પહોંચને કારણે છે.