ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મુખ્યમંત્રી અને રાજ્યપાલને કલેક્ટર દ્વારા આવેદનપત્ર પાઠવાયું

(પ્રતિનિધિ)ભરૂચ, ગંભીરા બ્રીજ પર બનેલી ગંભીર દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોને ભરૂચ લોકજન શક્તિ પાર્ટી દ્વારા શ્રધ્ધાંજલી પાઠવવા સાથે ઉંઘતા તંત્રને જગાડવા પીપુડા સાથે કલેક્ટરને કચેરી ખાતે પહોંચી મુખ્યમંત્રી અને રાજ્યપાલને સંબોધી આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી.
મહીસાગર નદી ઉપર આવેલ ગંભીરા બ્રીજ તૂટી પડતા ૧૫ જેટલા લોકો મૃત્યુ પામેલા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા છે.આ બ્રીજ દુર્ઘટનામાં લોકોએ પોતાના વહાલસોયા સ્વજનો ગુમાવ્યા છે. પી.ડબલ્યુ.ડી તથા માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી બહાર આવી છે.
છેલ્લા ઘણા સમયથી આ બ્રીજ ભયંકર રીતે ભયજનક હતો પરંતુ અધિકારીઓની બેદરકારીને લીધે ૧૩ લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા છે. અમારી ભરૂચ જીલ્લા લોકજન શક્તિ પાર્ટીના જીલ્લા પ્રમુખની ગુજરાત સરકારને નમ્ર અપીલ છે કે, બ્રીજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને ૫૦-૫૦ લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવે તથા ઘાયલ થયેલા લોકોને સારી સારવાર મળે તેવી અમારી માંગ છે
અને બ્રીજ દુર્ઘટનામાં ગંભીર બેદરકારી દાખવનાર કર્મચારીઓ તથા અધિકારીઓની સામે માનવ વધનો ગુના હેઠળ ફોજદારી ફરીયાદ દાખલ કરીને તમામ દોષીતોને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવે તેવી અમારી ભરૂચ જીલ્લા લોકજન શક્તિ પાર્ટીના પ્રમુખ અબ્દુલ કામઠી તથા આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચી મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવી હતી અને ઊંઘતા તંત્રને પીપુડા વગાડી જગાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.તેમજ જવાબદાર લોકો સામે માનવવધ નો ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.
વધુમાં ભરૂચ જીલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાને અપીલ કરવામાં આવી હતી કે નંદેલાવ બ્રીજ, બાયપાસ દહેજનો બ્રીજ,અરગામાં ભુખી ખાડી પર બનેલો બ્રીજ, આમોદ-જંબુસર વચ્ચે ઢાઢર નદીનો બ્રીજ તથા ભરૂચ તથા થામ ગામ પાસે નહેર પરના મેઈન રસ્તા પરનું નાળુ તથા ભરૂચ જીલ્લાના તમામ બ્રીજોની તપાસ કરીને રિપેર કરવામાં આવે તે માટે તાત્કાલિક તપાસ સમિતિ રચીને તમામ બ્રીજોની તપાસ કરાવીને ભરૂચ જીલ્લામાં ગંભીરા બ્રીજ જેવી ઘટનાનું નિર્માણ ન થાય અને કોઈપણ નાગારીકોનો જીવ ન જાય તે માટે મરામત કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.