Western Times News

Gujarati News

મહિલા સાથે સંબંધ રાખવા દબાણ કરનાર આધેડની હત્યા કરાઈ

અમદાવાદ, ચાંદખેડામાં આવેલા ત્રાગડમાંથી એક આધેડની લાશ મળી હતી. પોલીસે તપાસ કરતા આધેડની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસ દરમિયાન મૃતક આધેડે તેના ઘર નજીકમાં રહેતી મહિલાને સંબંધ રાખવા દબાણ કર્યું હતું.

જેને લઇને પોલીસે મહિલાની પૂછપરછ કરતા મહિલા, તેના ભત્રીજા સહિત ત્રણ આરોપીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. સેટેલાઇટ રામદેવનગર ખાતે રહેતા ૫૦ વર્ષીય મોતીભાઇ ભટી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

ગત ગુરુવારે રાત્રે મોતીભાઇ તેમના સાળાની રિક્ષા લઇને ફેરો મારવા નીકળ્યા હતા. જે દરમિયાનમાં મોતીભાઇની લાશ ત્રાગડ અંડરપાસ નજીક સર્વિસ રોડ પર લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી. આ મામલે ચાંદખેડા પોલીસને જાણ કરાતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે મોતીભાઇને છેલ્લા કેટલાક સમયથી પાડોશમાં રહેતી એક મહિલા સાથે અવાર નવાર ઝઘડા થતાં હતાં. જેથી પોલીસે મહિલાની પૂછપરછ કરતાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ કેસમાં મહિલા, રમેશ અને કમલેશ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે એકાદ માસ પહેલા પણ બોલાચાલી ઝઘડો થતાં મહિલાએ સેટેલાઇટ પોલીસને અરજી આપી હતી. બાદમાં મહિલાએ આ બાબતે ભત્રીજા રમેશને જાણ કરી હતી. જેથી રમેશે મોતીભાઇને સબક શીખવાડવાનું નક્કી કર્યું હતું.

આરોપી રમેશે નોબલનગર ખાતે રહેતા તેના બે મિત્રો કિશન અને કમલેશને બોલાવ્યા હતાં. મોતીભાઇ ૧૦ જુલાઇએ સાંજે ઇસ્કોન ચાર રસ્તા પર રિક્ષા લઇને ઊભા હતાં. ત્યારે કિશન અને કમલેશ ૨૦૦ રૂ. ભાડું નક્કી કરીને મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેસીને ત્રાગડ અંડરપાસ પાસે પહોંચ્યા હતા. જ્યાં રમેશ અને તેના બે મિત્રોએ મોતીભાઇને છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.