પરિવર્તનથી દૂર રહીને ભારતે નિતિશ પર ભરોસો રાખવો જોઇએઃ કુંબલે

લંડન, ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસમાં રમી રહી છે ત્યારે ભારતના મહાન સ્પિનર અનીલ કુંબલેએ એવો અભિપ્રાય આપ્યો હતો કે ટીમમાં નિતિશકુમાર રેડ્ડીને નિયમિત સ્થાન આપીને તેના પર ભરોસો રાખવો જોઇએ.કુંબલે વારંવારના પરિવર્તનની પ્રક્રિયાથી દૂર રહીને વર્તમાન ટીમની પ્રતિભા અને શિસ્તમાં રહેવા માટે નિતિશ રેડ્ડીને ટીમમાં કાયમી સ્થાન આપવું જોઇએ જેથી તે પોતાની જાતને પુરવાર કરી શકે.
રેડ્ડી વર્તમાન સિરીઝમાં તેની બીજી ટેસ્ટ રમી રહ્યો છે જેના પ્રથમ દિવસે તે બે વિકેટ ખેરવીને ભારત માટે સૌથી સફળ બોલર રહ્યો હતો. જોકે બીજે દિવસે જસપ્રિત બુમરાહે વેધક બોલિંગ કરીને પાંચ વિકેટ ખેરવતાં ઇંગ્લેન્ડની ટીમ તેના પ્રથમ દિવસના સ્કોરમાં વધુ રન ઉમેરી શકી ન હતી.
અનીલ કુંબલેએ ટીવી કોમેન્ટરી દરમિયાન જણાવ્યું હતું કે મને આશ્ચર્ય થયું હતું કે ગુરુવારે નિતિશે કેટલી શાનદાર બોલિંગ કરી હતી. તેણે સતત એકધારી અને બેલેન્સ બોલિંગ કરી હતી.
લેગસાઇડની બહાર તેણે એક શોર્ટ બોલ ફેંક્યો હતો પરંતુ તે સિવાય તે શિસ્તબદ્ધ બોલિંગ કરતો જોવા મળ્યો હતો.મારું માનવું છે કે તેણે ઓસ્ટ્રેલિયામાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બેટિંગમાં સદી ફટકારી હતી તો શાનદાર બોલિંગ પણ કરી હતી. તે અલગ બાબત છે કે તે ખાસ વિકેટો ખેરવી શક્યો ન હતો પરંતુ એકંદરે એ પ્રવાસ ભારત માટે ખાસ સફળ રહ્યો ન હતો.
એવા બોલર જે ભાગીદારી તોડી શકે અને તમારા નિયમિત બોલરને આરામ આપીને બોલિંગ કરી શકે તેવો નિતિશ રેડ્ડી છે અને તેની પાસેથી આથી વધુ અપેક્ષા રાખવાનો કોઈ અર્થ નથી તેમ કુંબલેએ ઉમેર્યું હતું.
ભારતના મહાન લેગસ્પિનર કુંબલેએ વધુમાં જણાવ્યું હતું કે તેણે એક સ્પેલમાં લગભગ ૧૪ ઓવર બોલિંગ કરી હતી જે બાબત તેની ફિટનેસ પુરવાર કરે છે. તે યુવાન છે અને સાથે સાથે તે સક્ષમ બેટર પણ છે જે ટેસ્ટ મેચમાં સદી ફટકારી ચૂક્યો છે.
અને, તે ચબરાક ફિલ્ડર પણ છે. આ સંજોગોમાં ભારતે તેની ઉપર ભરોસો રાખીને તેને નિયમિત તક આપતા રહેવું જોઇએ અને વારંવારના પરિવર્તનથી દૂર રહેવું જોઇએ.SS1MS