Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલમાં ગુજરાતના 176 અંગદાતાઓ પૈકી સૌથી વધુ 68 અંગદાતાઓ અમદાવાદના છે

છેલ્લાં સાડા ચાર વર્ષમાં ૨૦૦ પરિવારોએ કર્યો અંગદાનનો કરુણામય નિર્ણય-ગુરુપૂર્ણિમાના દિવસે થયું ૨૦૦મું અંગદાન : હૃદય, લીવર, સ્વાદુપિંડ અને બે કીડનીનું દાન મળ્યું

અમરેલીના વતની મહેશભાઇ સોલંકી બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલ બની ૨૦૦ અંગદાન મેળવનાર રાજ્યની એકમાત્ર હોસ્પિટલ

સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૭૫ લીવર, ૩૬૪ કીડની, ૧૪ સ્વાદુપિંડ, ૬૪ હૃદય, ૬ હાથ, ૩૨ ફેફસા, ૨ નાના આંતરડા તથા ૨૧ ચામડીનું દાન મળ્યું

૨૦૦ અંગદાનની ઉપલબ્ધિ ટીમવર્ક અને કર્તવ્યનિષ્ઠાનું પરિણામ – ડૉ. રાકેશ જોશી, સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ

ગુજરાત સિવાય ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન જેવાં અન્ય રાજ્યો તથા નેપાળ જેવા પાડોશી દેશના અંગદાતાઓ પણ અંગદાન મહાયજ્ઞમાં સહભાગી થયા

Ahmedabad, અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં ૨૦૦મા અંગદાતા તરફથી અંગદાન મળ્યું છે. અમરેલીના વતની મહેશભાઇ સોલંકી બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ ગુરુપૂર્ણિમાના દિવસે અંગદાનનો નિર્ણય કર્યો અને ૨૦૦ અંગદાનનો માઇલસ્ટોન સિવિલ હોસ્પિટલે પાર કરી લીધો છે. આજદિન સુધીમાં થયેલા કુલ ૨૦૦ અંગદાન દ્વારા કુલ ૬૫૭ અંગોનું દાન મળ્યું છે, જે થકી ૬૩૮ લોકોને નવજીવન પ્રદાન થયું છે, જે સિવિલ હોસ્પિટલ અમદાવાદની યશસ્વી સિદ્ધિ છે.

૨૦૦મા અંગદાનની વાત કરીએ તો અમરેલીના રહેવાસી એવા ૩૫ વર્ષીય મહેશભાઇ સોલંકીને ૦૨ જુલાઇના રોજ બપોરે ૩ વાગ્યાની આસપાસ બગસરાથી હુમાપુર ગામે જતાં બોલેરો ગાડીએ ટક્કર મારતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

મહેશભાઇને પ્રથમ બગોદરા સિવિલ, ત્યારબાદ અમરેલી સિવિલ અને ભાવનગર સિવિલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી તારીખ ૭ જુલાઈના રોજ વધુ સારવાર અર્થે તેઓને રાત્રે ૯ વાગ્યે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં ૪૮ કલાક કરતાં વધારે સમયની સઘન સારવાર બાદ તારીખ ૯ જુલાઈના રોજ ડોક્ટરોએ મહેશભાઇને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ તેમજ સામાજિક કાર્યકર શ્રી ભાસ્કર ચાવડા દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇનડેડ પરિસ્થિતિ અને અંગદાન વિશે સમજાવતાં સિવિલ હોસ્પિટલમાં હાજર પરિવારજનોએ તેમનાં અંગોનું દાન કરવા સંમતિ આપી હતી.

આ વિશે વાત કરતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે ૨૦૦ અંગદાન એ માત્ર આંકડો નથી, પરંતુ દરેક અંગદાન પાછળ એક પરિવારના આંસુમાંથી નીકળેલ બીજા પરિવાર માટેના નવજીવનની આશા છે. ૨૦૦ અંગદાનની ઉપલબ્ધિ સિવિલની અંગદાન ટીમના ટીમવર્ક અને કર્તવ્યનિષ્ઠાનું પરિણામ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

અંગદાનની આંકડાકીય વિગતો પૂરી પાડતા ડૉ. જોષીએ જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં સાડા ચાર વર્ષથી ચાલી રહેલ અંગદાનના આ મહાયજ્ઞમાં આજે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઇ છે. જેમાં આજદિન સુધીમાં કુલ ૨૦૦ અંગદાન થયાં છે. જેના દ્વારા કુલ ૬૫૭ અંગોનું દાન મળ્યું છે. જે થકી ૬૩૮ લોકોને નવજીવન પ્રદાન થયું છે. મહેશભાઇના અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૭૫ લીવર, ૩૬૪ કીડની, ૧૪ સ્વાદુપિંડ, ૬૪ હૃદય, ૬ હાથ, ૩૨ ફેફસા, ૨ નાના આંતરડા તથા ૨૧ ચામડીનું દાન મળ્યુ છે.

૨૦૦મા અંગદાન વિશે ડૉ. જોષીએ જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાના દિવસે બ્રેઇનડેડ મહેશભાઇના અંગદાનથી મળેલ એક લીવર, બે કીડની તેમજ એક સ્વાદુપિંડનું સિવિલ મેડીસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. આ સાથે મહેશભાઇના અંગદાનથી મળેલ હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

પોતાના સ્વજનના અંગદાનનો પરોપકારી નિર્ણય લઇ ૬૩૮ માનવ જિંદગીના દીપ પ્રજ્વલિત રાખવા બદલ આ તમામ ૨૦૦ અંગદાતાના પરિવારજનોના આપણે સૌ આભારી છીએ, એમ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું.

કોઇપણ જીવિત સ્વસ્થ વ્યક્તિએ પોતાના ઓર્ગન ફેઇલ્યોરથી પીડાતા સ્વજનને અંગો ન આપવા પડે અને બ્રેઇનડેડ દર્દીઓના અંગદાન થકી આવા તમામ ઓર્ગન ફેઇલ્યોરથી પીડાતા દર્દીઓને અંગો મળી રહે અને અંગોની પ્રતિક્ષામાં કોઇપણ વ્યક્તિ મૃત્યુ ન પામે એ ધ્યેય સાથે અમારી સિવિલની અંગદાન ટીમ કાર્યરત છે, એમ ડૉ. રાકેશ જોશીએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.