સાણંદના ખીચા ગામની પ્રાથમિક શાળામાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

શાળાના વિદ્યાર્થીઓને પર્યાવરણમાં વૃક્ષો, સાપ અને મધમાખીનું મહત્વ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાની સમજ આપવામાં આવી
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખીચા ગામની પ્રાથમિક શાળા ખાતે પર્યાવરણ સંત્રી ટ્રસ્ટ, અને શ્રી શ્રમજીવી આરોગ્ય સેવા સહકારી મંડળી લિ. અમદાવાદ દ્વારા સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પર્યાવરણ સંત્રી ટ્રસ્ટના કાર્યકર શ્રી કેયુરભાઈએ શાળાના બાળકોને પ્લાસ્ટિકથી પર્યાવરણને થતા નુકસાન વિશે માહિતી આપી હતી. પર્યાવરણ સંત્રીના કાર્યકર શ્રી પાર્થિવભાઈએ સાપોની વિવિધ જાત અને તેના મહત્વ અંગે માહિતી આપી હતી.
ઉપરાંત, ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાન્તિભાઈ મકવાણાએ પર્યાવરણની દ્રષ્ટિએ વૃક્ષોનું મહત્ત્વ સમજાવ્યું હતું. શ્રી શ્રમજીવી આરોગ્ય સેવા સહકારી મંડળી લિ. અમદાવાદના પ્રમુખ શ્રી કાશીરામભાઈ વાઘેલાએ પર્યાવરણમાં મધમાખીનું મહત્વ અને તેનું સરંક્ષણ, આયુર્વેદિક વૃક્ષોની ઓળખ અને તેના ઉપયોગ વિશેની વિશેષ માહિતી આપી હતી.
અંતે ખીચા ગામની નિર્માણાધીન માધ્યમિક શાળામાં સામૂહિક વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી વિજયભાઈ સોલંકી, શ્રી શ્રમજીવી આરોગ્ય સેવા સહકારી મંડળી લિ.ના પ્રતિનિધિઓ, ખીચા ગામના સરપંચ શ્રી સોડાભાઈ મોતીભાઈ, ખીચા ગામના આગેવાન શ્રી ડાહ્યાભાઈ દેવસીભાઈ, ખીચા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કિરીટભાઈ અને તમામ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.