AI ટેકનોલોજીની મદદથી નકલી સાધુઓ પકડવાનું ઓપરેશનઃ ૫૦ પકડાયા, ૬ વિધર્મી નીકળ્યા

પ્રતિકાત્મક
AI-ફેસ રિકાગ્નિશન કેમેરાથી પોલીસની બાજ નજર–નકલી સાધુઓને પકડવા માટે ઉત્તરાખંડનું ઓપરેશન કાલનેમિ
દેહરાદુન, ઉત્તરાખંડમાં શ્રાવણ મહિનામાં કાવડ યાત્રાને શુદ્ધ અને સુરક્ષિત બનાવવાની સાથે નકલી સાધુઓને પકડવા માટે સરકારે ઓપરેશન કાલનેમિ શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ હરિદ્વાર પોલીસ દ્વારા નકલી સાધુઓ, ભિખારીઓ અને ઠગ પર દેખરેખ રાખીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઓપરેશનના પહેલા જ દિવસે ૫૦થી વધુ શંકાસ્પદ શખ્સો પકડાયા છે. જેમાં ૬ જેટલા મુસ્લિમ પણ જોવા મળ્યા છે, જેઓ ભગવો પહેરીને ભિક્ષા માંગતા હતા.
હરિદ્વાર પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં) અને ફેસ રિકાગ્નિશન કેમેરાનો ઉપયોગ કરીને શંકાસ્પદ શખ્સની ઓળખ કરી રહ્યા છે. કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં ૩૫૦થી વધુ કેમેરા દ્વારા સમગ્ર હરિદ્વારમાં દેખરેખ રાખવામાં આવી રહી છે. હર કી પૌડી ખાતે ડ્રોન અને સીસીટીવી કેમેરાની મદદથી દેખરેખ રાખવામાં આવી રહી છે. ગ્રામીણ અને શહેરી વિસ્તાર એમ પોલીસની ૨ ટીમો દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.
આ અભિયાન હેઠળે કલિયર પોલીસે ૬ નકલી બાબાઓને ઝડપી પાડ્યા છે. આ બાબાઓ મુસ્લિમ હોવા છતાં ભગવો ધારણ કરીને ભિક્ષા માંગતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે કોતવાલી નગરમાં ૧૩, શ્યામપુરમાં ૧૮ અને કનખલમાં ૮ શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે. જેમાં ધરપકડ કરાયેલા લોકોમાં રફીક અંસારી (રહે. ભાગલપુર), મહેબૂબ (રહે. બરેલી), અહેમદ (રહે. હરદોઈ), રાશિદ (રહે. રાજગઢ), ઈમરાન (રહે. કોલકાતા), ઝૈનુદ્દીન (રહે. બિહાર)નો સમાવેશ થાય છે.
પોલીસની માહિતી અનુસાર, ઘણાં સમયથી નકલી સાધુઓ દ્વારા તંત્ર-મંત્ર, ચમત્કાર અને ખોટા આશીર્વાદ આપીને ભોળા લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદો સામે આવી રહી છે.
કેટલાક કિસ્સામાં તો આરોપી દ્વારા ગુનાઇત પ્રવૃત્તિને પણ અંજામ આપવામાં આવ્યો છે. તેવામાં શ્રાવણ અને કાવડ યાત્રા દરમિયાન યાત્રાધામ નગરીની ધાર્મિક ગરિમા જાળવવા અને શ્રદ્ધાળુઓનું રક્ષણ કરવા માટે આ અભિયાનને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.