Western Times News

Gujarati News

212 કરોડના ખર્ચે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે નવો બ્રિજ બનાવાશે

(એજન્સી)ગાંધીનગર, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુરમાં ૯ જુલાઈ ૨૦૨૫ના રોજ ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં ૨૦ લોકોના મોત નીપજ્યા હતા. બ્રિજ દુર્ઘટનાને લઈને પોલીસ અને સરકાર દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

મુજપુર પાસે મહી નદી પર નવો બ્રિજ બનશે. નવા ટુ લેન હાઈલેવલ બ્રિજ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૨૧૨ કરોડ મંજૂર કરાયા છે. દુર્ઘટનાગ્રસ્ત બ્રિજની સમાંતર નવો બ્રિજ તૈયાર કરાશે. ૧૮ મહિનામાં પૂલ નિર્માણ માટે ટેન્ડરિંગ પ્રક્રિયાનો તાબડતોડ આરંભ કરાયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપૂર પાસે મહી નદી ઉપર નવો ટુ લેન પૂલ બનાવવા માટેની માર્ગ અને મકાનને વહીવટી મંજૂરી આપી છે. આ પૂર પાદરા અને આંકલાવને જોડશે.

દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર બનનારા આ નવા પૂલ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં સર્વે કરી ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યાં નવો પૂલ બનાવવાની કાર્યવાહી આદરવામાં આવી હતી.

એ દરમિયાન અહીં પૂલ તૂટી પડવાની દુર્ઘટના બનતા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને પરિવહનથી જોડવા ઉપરાંત સ્થાનિકને રોજગારીના પ્રશ્નો, છાત્રોને આવાગમનના પ્રશ્નો સર્જાયા હતા. તેને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ તત્કાલ આ પૂલ બનાવવાની મંજૂરી આપી છે.

માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર એન. વી. રાઠવાએ જણાવ્યું કે, મુજપૂર એપ્રોચ રોડ હાલમાં જે ટુ લેન છે, એને ફોર લેન કરી ૭ મિટરનો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાઇવેથી પૂલ સુધી પહોંચવાના ૪.૨ કિલોમીટર માર્ગને ફોર લેન કરવામાં આવશે.

દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર નવો ટુ લેન હાઇલેવલ પૂલ બનાવવામાં આવશે. આ બન્ને કામ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા રૂ.૨૧૨ કરોડની વહીવટી મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. પૂલ બનાવવાની કામગીરી ૧૮ માસમાં પૂર્ણ કરવામાં આવશે. એના ટેન્ડરિંગ પ્રક્રીયા પણ આરંભી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.