BJPના પાયાના કાર્યકરો હવે તેના ભ્રષ્ટાચારી નેતાઓ સામે પડ્યા છે?

BJP ધારાસભ્યે નગરપાલિકાને નરકપાલિકા બનાવી દીધી છે. તેવો પત્ર અમિત શાહને લખ્યો
ચૂંટણી લડવાના ખર્ચ માટે હું ગોપાલ ઈટાલીયાને બે કરોડ રૂપિયા પણ આપીશ તેવું કોણે કહ્યું!
ભારતીય જનતા પક્ષ લોખંડી શિસ્તથી ચાલતો પક્ષ છે. તે પક્ષનો કોઈ પણ નેતા કે કાર્યકર ગમે તેટલો અન્યાય થયો હોય તો પણ પોતાનું મોઢું ન ખોલે. પણ એ શિસ્તના હવે વળતા પાણી શરૂ થયા હોય એવું લાગે છે.
તેનુ તાજું ઉદાહરણ એ છે કે ભા.જ.પ.અને સંઘના પાયાના કાર્યકર અને અમદાવાદના જિલ્લા સંયોજક જિગ્નેશ પંડ્યાએ ગાંધીનગરનાં સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને પક્ષના એક ધારાસભ્ય પર આડકતરી રીતે એવો આક્ષેપ કર્યો છે તેઓ વિકાસનાં કામોમાં ૪૦ થી ૫૦ ટકા કમિશન લે છે અને તેને કારણે હલકી ગુણવત્તાવાળા કામો થઈ રહ્યાં છે.
પત્રમા એવું પણ લખાયું છે કે સદરહુ ધારાસભ્યે નગરપાલિકાને નરકપાલિકા બનાવી દીધી છે. પાણી,રસ્તા,ગટર લાઇન સહિતના કામ અટકી ગયા છે. વધુમાં પંડ્યાએ પત્રમાં એવો પણ બળાપો ઠાલવ્યો છે કે ભા.જ.પ.નુ કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે. લોકોમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો એવું કહેવાય છે કે જિગ્નેશ પંડ્યાએ આ પત્ર દ્વારા સંભવતઃ ધારાસભ્ય કનુ પટેલ પર નિશાન સાધ્યું છે.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને એક્સ્ટેન્શન કેમ મળ્યું?
ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તા.૩૦મી જુને નિવૃત થવાનાં હતાં એ દિવસે સાંજે ૬ઃ૦૦ વાગ્યે તેમને કહેવાયુ કે ચાર્જ ન છોડશો.અને રાત્રે ૮ઃ૦૦ વાગ્યે એ અંગે સત્તાવાર હુકમ પણ દિલ્હીથી ગાંધીનગર મોકલાઈ ગયો.
આટલી બધી અનિર્ણાયકતા પછી છેક છેલ્લી ઘડીએ વિકાસ સહાયને નોકરીમાં કેમ મુદત વધારો અપાયો? એ પ્રશ્ન હાલ સચિવાલયમાં ચર્ચાઈ રહ્યો છે.આ અંગે સચિવાલયમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો વાત જાણે એમ છે કે વિકાસ સહાય પછી સિનિયોરિટીમા ૧૯૯૧ની બેચના અને આઈ.આઈ.ટી., દિલ્હીમાં ભણેલાં ડો.સમશેર સિંહનો ક્રમ આવતો હતો.
પણ સમશેરસિંહ હાલ સરકારની ગુડ બુકમાં ન હોવાથી અને સરકાર તેમને પોલીસ ખાતાનુ સર્વોચ્ચ પદ આપવા માંગતી ન હોવાથી તેમને આ પદ પર આવતા અટકાવવા માટે વિકાસ સહાયને નોકરીમાં મુદત વધારો આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
અલબત્ત,સમશેરસિંહ અગાઉ સરકારની ગુડ બુકમાં જ હતા પણ એ પછી કોણ જાણે કેમ એ સરકારની નજરમાંથી ઉતરી ગયા અને તેમને તેમની ઈચ્છા વિરુદ્ધ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર મોકલી આપવામાં આવ્યા હતા.
આ કારણે સમશેરસિંહને પોલીસ ખાતાનાં સર્વોચ્ચ પદથી દૂર રહેવું પડ્યું છે. ગુજરાત પોલીસ ભવન સાથે નીકટતાથી સંકળાયેલા લોકોની વાત જો સાચી માનીએ તો વાત એવી છે કે સમશેરસિંહ દિલ્હીની ભા.જ.પ.ની સરકારના મુખ્યમંત્રી રહી ચૂકેલાં અને ભા.જ.પ.ના સિનિયર નેતા સાહેબસિંહ વર્માના જમાઈ છે.ભા.જ.પ.સાથેની આટલી નીકટતા સમશેરસિંહને કામ નથી લાગી એ પણ સમયની બલીહારી છે.
આઇ.એ.એસ. અધિકારી નેહા બ્યાદવાલ યુવાનો માટે પ્રેરણારૂપ વ્યક્તિ છે
ગુજરાત રાજ્યની આઈ.એ.એસ.કેડરના ૨૦૨૪ની બેચના અધિકારી નેહા બ્યાદવાલ એક અનોખા અધિકારી છે?.તેઓ યુવાનો માટે ખરેખર પ્રેરણાદાયી વ્યક્તિ છે.તેમની કથા એવી છે કે નેહા ધોરણ -૫મા નપાસ થયેલી વ્યક્તિ છે.સૌથી મોટી વાત તો એ છે કે નેહાનું અંગ્રેજી ખૂબ નબળું હતું તેને કારણે તેઓ અંગ્રેજી ભાષાથી ખૂબ જ ડરતા હતા.પણ ‘ડર કે આગે જીત હૈ’ એવા સુત્રમાં માનતી નેહાએ ડરનો સામનો કરીને સખત મહેનત કરી અને અંગ્રેજી ભાષા પર કાબુ મેળવી લીધો.
એ પછી આકર્ષક વ્યક્તિત્વ અને બાહ્ય સૌંદર્ય ધરાવતા નેહાનો આત્મવિશ્વાસ એવો બુલંદ થયો કે તેણે સર્વિસ માટે પણ ઉંચુ ધ્યેય રાખ્યું અને ‘નિશાન ચૂક માફ છે નહીં નીચું નિશાન’ એ ઉક્તિ અનુસાર યુ. પી.એસ.સી.ની પરીક્ષા દેવાનું શરૂ કર્યા બાદ ચોથા પ્રયત્નને નેહા બ્યાદવાલે યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરીને ગુજરાત કેડરમાં જોડાયા છે.
અનુદાનિત સ્કૂલના સંચાલકો સરકારને ગાંઠતા નથી?
સચિવાલયમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો સરકાર દ્વારા પારદર્શક પસંદગી પદ્ધતિથી શિક્ષણ સહાયક તરીકે પસંદ થયેલા યુવાન ભાઈ-બહેનો બિનસરકારી અનુદાનિત શાળાઓમાં હાજર થવા જાય છે ત્યારે સંચાલકો તેમની પાસે ટ્રસ્ટના વિકાસ, સ્કૂલના વિકાસ માટે ફાળો માંગે છે.
સરકારે દરેક જિલ્લામાં પોતાના શિક્ષણાધિકારી મુક્યા હોવા છતાં શિક્ષણ સહાયકોને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી કોઈ રક્ષણ આપવામાં આવતું નથી! સરકારનાં વહીવટની આ પણ એક બલીહારી છે હોં!
કાન્તિ અમૃતિયાનો ગોપાલ ઈટાલીયાને મોરબીમાંથી ચૂંટણી લડવાનો પડકાર
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એક પડકાર જાહેરમાં ફેંકતા ગોપાલ ઈટાલીયાને કહ્યું છે કે ‘ગોપાલ જો મોરબીમાં મારી સામે ચૂંટણી લડવા માંગતો હોય તો હું રાજીનામું આપીને તેની સામે ચૂંટણી લડવા તૈયાર છું અને એ ચૂંટણી લડવાના ખર્ચ માટે હું ગોપાલ ઈટાલીયાને બે કરોડ રૂપિયા પણ આપીશ!
મોરબીમાં ‘કાના’ ઉર્ફે ‘કાનિયા’ના હુલામણા નામે ઓળખાતા કાંતિ અમૃતિયાએ આ પડકાર માત્ર પ્રસિદ્ધિ માટે માટે જ ફેંક્યો છે એવું લાગે છે. ટૂંકમાં કહીએ તો આ કાંતિલાલનો જુમલો જ છે.
તેનુ કારણ એ છે કે કાંતિ અમૃતિયાએ ભા.જ.પ.ના ધારાસભ્યપદેથી રાજીનામું આપવા પક્ષની મંજૂરી લેવી પડે?. ધારી લઈએ કે પક્ષની અનુમતિ મળે અને અમૃતિયા રાજીનામું આપે એ પછી પક્ષ એમને જ ટિકિટ આપે એવું પણ ક્યાં નિશ્ર્ચિત હોય છે?
એટલે ટૂંકમાં આ આખા પ્રકરણનો લઘુત્તમ સાધારણ અવયવ એ છે કે કાંતિ અમૃતિયાએ માત્ર ફેંકી જ છે.