દેશી ઢોલ અને શરણાઈઓના સુર સાથે ગ્રામજનોએ વરઘોડો કાઢ્યો વય નિવૃત થયેલા DDO દિનેશભાઈ બારીઆનો

વય નિવૃત થયેલ પંચમહાલ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી દિનેશભાઈ બારીઆનું ભવ્ય સ્વાગત કરતા બારીઆ પરિવારજનો
ધૂળા ગુરુજીની કડકાઈને કારણે મારો ભણવાનો પાયો પાકો થયો હતો જે મને જીવનપર્યંત સફળતા અપાવવામા ઉપયોગી નિવડયો: દિનેશભાઈ
વયનિવરુતિના કારણે તા ૩૦-૬-૨૫ના રોજ નિવરુત થયેલ પંચમહાલ જિલ્લાના જિલ્લાના વિકાસ અધિકારીશ્રી દિનેશભાઈ બારીઆનો તા.૧૨-૦૭-૨૦૨૫ના રોજ બારીઆ પરિવાર અને ગ્રામજનો દ્વારા દેશી ઢોલ અને શરણાઈઓના તાલગાન સાથે આખા ફળિયામાં ભવ્ય વરઘોડો કાઢી શ્રી દિનેશભાઈ બારીઆનું ભવ્ય સ્વાગત અને આયુષ્ય તંદુરસ્ત રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સમારોહના અધ્યક્ષ સ્થાને રાજ્ય ભાજપ કારોબારીના સભ્ય શ્રી ગોપાલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે શ્રીદિનેશભાઈ બારીઆ ગરીબ પરિવારમાથી આવે છે.તેઓએ પ્રાથમિક શિક્ષણ ઝાલોદ તાલુકાના નાનકડા ગામ રળિયાતીભુરા ખાતેની સરકારી પ્રાથમિક શાળામાંથી મેળવી વધુ અભ્યાસ માટે ગાંધીનગર જયી કોલેજ કક્ષાનું જ્ઞાન મેળવ્યું હતુ.
તેઓએ ચાલુ નોકરીએ અભ્યાસ કરીને રેવન્યુ વિભાગમાં ડેપ્યુટી કલેકટર તરીકે જોડાઈ જુદા જુદા જિલ્લાઓમાં ચીવટ અને વફાદારીથી ફરજ બજાવી હતી છેલ્લે પંચમહાલ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ત્રણ વર્ષ સેવાઓ આપી ને વય નિવૃત થયા છે.તેઓએ તેમને પ્રાથમિક શિક્ષણ આપનારા ગામના બે ગુરુજનો તથા ચૌદ જેટલાં ગામના વરિષ્ઠ નાગરિકોને પણ પુષ્પગુચછ અને શાલ અર્પણ કરીને સન્માનીત કર્યા હતાં.
આમ તેમણે ગુરુની ગરીમા અને ગામના વરિષ્ઠ નાગરિકોનું તેમના પ્રત્યે કેટલો લગાવ અને અહોભાવ છે તે જાણી શકાય છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ ગરીબ વ્યક્તિઓના કામને પ્રાધાન્ય આપતા હતા. તેમની નિષ્ઠાવાન કામગીરીની ભારત સરકારે પણ કદર કરી હતી.
શ્રી દિનેશભાઈ બારીઆએ સન્માનનો પ્રત્યુતર આપતા જણાવ્યુ હતુ કે, મેં પ્રાથમિક શિક્ષણમાં રળિયાતીભુરા ગામની સરકારી પ્રાથમિક શાળામાંથી મેળવ્યું જેમાં ધુળાભાઇ ડામોર સાહેબે મને ૭મુ ધોરણ ભણાવ્યું હતું તેઓ દર રવિવારે વિના મૂલ્યે ભણાવતા અને ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓને ઘરેથી પકડી લાવી કડક સજા કરતા જેથી બાળકો ડરના કારણે ખુબ નિયમિત અને આપેલ લેશનની તૈયારી કરી આવતા.
આમ ધૂળા ગુરુજીની કડકાઈને કારણે મારો ભણવાનો પાયો પાકો થયો હતો જે મને જીવનપર્યંત સફળતા અપાવવામા ઉપયોગી નિવડયો હતો.આજે મારા ગુરુજી હયાત નથી જેનું મને અનહદ દુઃખ થાય છે.આજે તેમણે હયાત ગુરુજન શ્રીવાલમભાઈ મછાર અને સુરસીગભાઈ હઠીલા તથા રળિયાતીભુરાના ૧૪(ચૌદ) જેટલા વરિષ્ઠ નાગરિકોનુ પુષ્પ ગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા ઘડતરમાં મારા મોટાભાઈ દિલીપભાઈ અને મોટી બહેન શશીકલાબહેનનો સિંહ ફાળો છે. મને સનદી અધિકારી બનાવવમાં સરદાર સરોવર નિગમના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડાગુર સાહેબ અને ભૂતપૂર્વ મુખ્ય સચિવશ્રી એ. કે.રાકેશ સાહેબની અસરકારક ભૂમિકા રહી હતી તેમ જણાવી તેમનો વિશેષ આભાર માન્યો હતો.
પ્રસંગને અનુરૂપ શ્રી વાલમ ગુરુજી, શ્રીમતી શશીકલા બહેન સંગાડા, સેજલબેન સંગાડા, મિતેશકુમાર બારીઆ, ઈશાક ભાઈ સુરતી અને જિતેન્દ્ર કુમાર બારીઆ એ પણ વક્તવ્ય આપી શુભકામનાઓ પાઠવી હતી. અંતે સૌનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નિવરુત અધિક કલેકટરશ્રી આર.વી.બારીઆ તથા મોટી સંખ્યામાં મિત્રો અને સગાં સંબંધીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.