બિહાર બાદ સમગ્ર દેશમાં મતદાર યાદી વેરિફાઈ કરાશે

નવી દિલ્હી, બિહારના તર્જ પર હવે ચૂંટણી પંચ સમગ્ર દેશમાં મતદાર યાદી સંશોધન કાર્યક્રમ હાથ ધરવાની તૈયારી કરી રહ્યું છે. આગામી મહિનાથી દેશભરમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન શરૂ કરવાના ઈરાદે ચૂંટણી પંચ રાજ્યોમાં ચૂંટણી મશિનરીને સક્રિય કરી રહ્યું છે.
બિહારમાં આ કામગીરી હાલમાં ચાલુ છે. યોગ્ય મતદાર મતદાનથી વંચિત રહશે તેવી દલીલ સાથે આ કાર્યવાહીને સંખ્યાબંધ વિપક્ષો તથા અન્ય લોકો દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટે આને બંધારણીય જવાબદારી ગણાવતા કામગીરી ચાલુ રાખવા પંચને આદેશ આપ્યો હતો.
કેટલાક રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ (સીઈઓ) તેમના રાજ્યમાં છેલ્લે વિશેષ ફેરતપાસ થયા પછીની મતદાર યાદી જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. દિલ્હી સીઈઓએ વેબસાઈટ ઉપર ૨૦૦૮ની મતદાર યાદી જાહેર કરી હતી.
ઉત્તરાખંડમાં ૨૦૦૬માં છેલ્લે ફેરતપાસ હાથ ધરાઈ હતી અને તે મુજબની મતદાર યાદી જાહેર કરી હતી. મોટાભાગના રાજ્યોમાં ૨૦૦૨થી ૨૦૦૪ વચ્ચે મતદાર યાદી સુધારણા કામગીરી કરાઈ હતી.
છેલ્લે જ્યારે રાજ્યોમાં ફેરતપાસ થઈ હશે તેને કટ-ઓફ ગણાશે. ચૂંટણી પંચ બિહારમાં ૨૦૦૩ની મતદાર યાદીને ફેર તપાસ માટે ઉપયોગમાં લઈ રહ્યું છે. ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીના મતે ૨૮ જુલાઈએ બિહાર કેસની સુનાવણી પછી સમગ્ર દેશમાં મતદાર યાદી સંશોધન કામગીરીના અમલ અંગે અંતિમ નિર્ણય લેવાશે.
આ પ્રક્રિયા અંતર્ગત ગેરકાયદે વિદેશી પ્રવાસીઓના જન્મ સ્થળની ચકાસણી કર્યા બાદ તેમના નામ હટાવવામાં આવશે. બિહારમાં ચાલુ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાશે. જ્યારે આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાશે.
ચૂંટણી પંચની દેશવ્યાપી મતદાર યાદી સુધારણા કામગીરી બાંગ્લાદેશ અને મ્યાનમારમાંથી વિવિધ રાજ્યોમાં ઘુષણખોરી કરતા લોકો સામે કાર્યવાહીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે.બિહારમાં મતદાર યાદી સુધારણા વખતે ચૂંટણી પંચે ચોંકાવનારા દાવા કર્યા છે.
ચૂંટણી પંચ અનુસાર, બિહારમાં ઘરે-ઘરે જઈને દસ્તાવેજ ભેગા કરી રહેલા બૂથ લેવલ ઓફિસરને મોટી સંખ્યામાં નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારથી ગેરકાયદે ઘૂસેલા લોકો મળ્યા છે.
ચૂંટણી પંચના સૂત્રોનું કહેવું છે કે, પહેલી ઓગસ્ટ ૨૦૨૫ પછી યોગ્ય તપાસ બાદ તેમના નામ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના દિવસે જાહેર થનારી અંતિમ યાદીમાં સામેલ કરાશે નહીં. આશા છે કે, ૩૦ સપ્ટેમ્બર બાદ ચૂંટણી પંચ અંતિમ યાદીનો ડેટા પણ જાહેર કરે.
બિહારમાં મતદાર યાદીની સમીક્ષા હેઠળ મતાદાર ગણતરી ફોર્મ જમા કરવાનું કામ છેલ્લાં તબક્કામાં પ્રવેશ્યું છે. અત્યાર સુધી ૮૦ ટકાથી વધુ મતદારોએ પોતાના વિશે જરૂરી જાણકારી એટલે કે, નામ, સરનામું, જન્મ તારીખ, આધાર નંબર, મતદાર કાર્ડ નંબર સહિતની માહિતી દાખલ કરી ફોર્મ જમા કરાવી દીધા છે.
જોકે, આયોગે આ કામ માટેની છેલ્લી તારીખ ૨૫ જુલાઈ નક્કી કરી છે. પરંતુ સમયમર્યાદા પહેલાં જ આ કામ પૂર્ણ થવાની સંભાવના છે.SS1MS