સુરક્ષાને ખતરો થશે તો સૈન્ય કાર્યવાહી કરાશેઃ નોર્થ કોરિયા

પ્યોંગયાંગ/મોસ્કો, ઉત્તર કોરિયાએ રવિવારે અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનને કડક ચેતવણી આપી છે. ઉત્તર કોરિયાએ કહ્યું કે જો તેમની સામે કોઈ સુરક્ષા ખતરો પેદા થાય છે તો એ સૈન્ય કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ ચેતવણી, આ ત્રણેય દેશો દ્વારા તાજેતરમાં અમેરિકાના રણનીતિક સંયુક્ત સૈન્ય હવાઇ અભ્યાસ પછી આપી છે.
આવી સંયુક્ત લશ્કરી કાર્યવાહી કોરિયન દ્વીપ અને તેની આસપાસના પ્રદેશમાં “લશ્કરી તણાવના સ્તરને વધારવામાં મુખ્ય જોખમી પરિબળો” છે.બીજી બાજુ રશિયાના વિદેશ મંત્રી સર્ગઇ લાવરોવ ઉત્તર કોરિયાની મુલાકાતે પહોંચ્યા છે.
આ દરમિયાન સર્ગેઇ લાવરોવે અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનને આકરી ચેતવણી આપી છે. લાવરોવે આ ત્રણેય દેશો પર આક્ષેપ મૂક્યો છે કે એ ઉત્તર કોરિયાને ટાર્ગેટ બનાવીને એક સુરક્ષા ગઠબંધન બનાવી રહ્યા છે.
સૌથી મહત્વની વાત એ છે કે, લાવરોવે આ ચેતવણી ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ ઉનની સાથે મુલાકાત કર્યા પછી આપી છે. રશિયા અને ઉત્તર કોરિયાની વચ્ચે સૈન્ય અને અન્ય સહયોગને વધુ મજબૂત બનાવવા માટે લાવરોવ અને કિમ જોંગ ઉનની મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. આ મુલાકાત ઉત્તર કોરિયાના વોનસન શહેરમાં યોજાઈ હતી. લાવરોવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તરફથી કિમ જોંગને શુભકામના પાઠવી છે.
ઉત્તર કોરિયાના મીડિયા રિપોર્ટ મુજબ, કિમ જોંગે બેઠક દરમિયાન યુક્રેનની સાથે ચાલી રહેલા યુદ્ધમાં રશિયા દ્વારા ઉઠાવવામાં આવી રહેલા ‘તમામ પગલાં’ને વગર શરતે સમર્થન અને પ્રોત્સાહન આપવાની પોતાની સરકારની પ્રતિબદ્ધતા ફરી એક વાર વ્યક્ત કરી છે.
કિમ જોંગે એમ પણ કહ્યું કે પ્યોંગયાંગ અને મોસ્કો ગઠબંધનના સ્તરના અનુરુપ તમામ વ્યૂહાત્મક મુદ્દાઓ પર એક સમાન વિચાર ધરાવે છે. લાવરોવે બંને દેશોને આંતરરાષ્ટ્રીય મામલાઓમાં પોતાની વ્યૂહાત્મક અને સૈન્ય સહયોગને વધુ મજબૂત કરવા વધુ નક્કર કાર્યવાહી ઝડપી કરવા માટે આહ્વાન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરના વર્ષાેમાં રશિયા અને ઉત્તર કોરિયાની વચ્ચે સંબંધ ખૂબ જ ગાઢ બન્યા છે. ઉત્તર કોરિયા સૈન્ય અને આર્થિક સહાયના બદલામાં યુક્રેનની સામે રશિયાને યુદ્ધ માટે સૈનિકો અને હથિયારો ઉપલબ્ધ કરાવી રહ્યુ છે.SS1MS