‘ધુરંધર’ અને ‘રાજા સાબ’ વચ્ચે ટક્કરની શક્યતાએ સંજય દત્તની ચિંતા વધારી

મુંબઈ, સંજય દત્તને તાજેતરના વર્ષાેમાં ઘણી પાન ઈન્ડિયા ફિલ્મો મળેલી છે. ૨૦૨૫માં સંજય દત્તની બે બિગ બજેટ ફિલ્મો આવી રહી છે. પ્રભાસ સાથે ‘ધ રાજા સાબ’ અને રણવીર સિંહ સાથે ‘ધુરંધર’ હવે રિલીઝ માટે તૈયાર છે.
બંને ફિલ્મો એક જ તારીખે બોક્સ ઓફિસ પર ટકરાય તેવી શક્યતા છે. બે બિગ બજેટ ફિલ્મો વચ્ચે સીધી ટક્કરના સંજોગો ઘણી વખત સર્જાતા હોય છે, પરંતુ એક જ એક્ટરની બે ફિલ્મો વચ્ચે સીધા ટકરાવની સ્થિતિ જવલ્લે જોવા મળે છે. સંજય દત્ત પોતે આ બાબતથી નારાજ છે અને બેમાંથી કોઈ એક ફિલ્મની રિલીઝ ડેટ બદલાય તેવું ઈચ્છે છે.
બોક્સઓફિસ પર સીધી ટક્કરના સંજોગો કોઈ ફિલ્મ માટે લાભદાયી નથી હોતા. સામાન્ય રીતે ફિલ્મ મેકર્સ અંદરખાને સમજૂતી મારફતે આવી સીધી ટક્કર નિવારતા હોય છે. સંજય દત્તની આગામી કન્નડ ફિલ્મ ‘- ધ ડેવિલ’ના ટીઝર લોન્ચની ઈવેન્ટ યોજાઈ હતી. આ પ્રસંગે સંજય દત્તને ‘ધુરંધર’ અને ‘ધ રાજા સાબ’ વચ્ચે સીધી ટક્કર અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો.
સંજય દત્તે જણાવ્યું હતું કે, ‘ધુરંધર’ અને ‘ધ રાજા સાબ’ બંને ફિલ્મમાં અલગ-અલગ પ્રકારના રોલ છે. બંને ફિલ્મ વચ્ચે ટકરાવ ન થાય તેવી ઈચ્છા છે અને કદાચ તેવું જ થશે. જો કે દરેક ફિલ્મની પોતાની નિયતી હોય છે.
સંજય દત્તની પહેલી તેલુગુ ફિલ્મ પ્રભાસ સાથેની ‘ધ રાજા સાબ’ છે. નવા ક્ષેત્રમાં ખેડાણ અંગે સંજય દત્તે કહ્યું હતું કે, આ ફિલ્મમાં કામ કરી રહ્યા હોવાથી તેઓ તેલુગુ શીખી રહ્યા છે. પ્રભાસ જોરદાર એક્ટરની સાથે અદભૂત વ્યક્તિ છે. તે બહુ બધુ ખવડાવે છે.
ચિરંજીવીએ તેલુગુમાં મુન્નાભાઈ બનાવી હતી. તેમની સાથે પણ નિકટના સંબંધ છે. બોલિવૂડ અને તેલુગુ ઈન્ડસ્ટ્રીની સરખામણી કરતાં સંજય દત્તે કહ્યું હતું કે, બોલિવૂડમાંથી પેશન ખોવાઈ ગઈ છે અને તે પાછી લાવવાની ઈચ્છા છે.
સારી ફિલ્મો બનાવવાની તાલાવેલી હવે જોવા મળતી નથી. બોલિવૂડમાં બધું આંકડા પર નિર્ભર રહેતું હોય છે અને આ સ્થિતિ બદલાવી જોઈએ. ‘ધુરંધર’માં સંજય દત્ત અને રણવીર સિંહ ઉપરાંત આર માધવન, અર્જુન રામપાલ અક્ષય ખન્ના જેવા જાણીતા કલાકારો છે.
‘ધ રાજા સાબ’માં પ્રભાસ ઉપરાંત માલવિકા મોહનન, બોમન ઈરાની અને નિધિ અગ્રવાલ મહત્ત્વના રોલમાં છે. આ બંને ફિલ્મ ૫ ડિસેમ્બરે રિલીઝ થાય તેવી શક્યતા છે.SS1MS