અમદાવાદ: વિશાલા શાસ્ત્રી બ્રિજનું રૂ. ૬.૫ કરોડના ખર્ચે મરામત અને પુનઃનિર્માણ કાર્ય પૂર્ણ થયું

રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા ગુજરાત સરકાર દ્વારા વિવિધ પુલનું સઘન મજબૂતીકરણ કરાયું
• ભરૂચ NH-64 પર કદરામા ખાડી ઉપર રૂ. ૯.૪૨ કરોડના ખર્ચે નવનિર્મિત બ્રિજ ખુલ્લો મૂકાયો
• રાષ્ટ્રીય ધોરી માર્ગ-લીંબડી પેટા વિભાગ દ્વારા તપાસ બાદ વિવિધ બ્રિજ-રસ્તાનું મજબૂતીકરણ પૂર્ણ
ગુજરાતમાં વાહનવ્યવહારને સુગમ બનાવતા તેમજ આર્થિક પ્રવૃત્તિઓ અને નાગરિકોના જીવનને જોડતા વિવિધ માર્ગ અને બ્રિજના ભારે ઉપયોગને કારણે પુલની સમારકામ અને જાળવણી જરૂરીયાતને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા પુલોના સમારકામ અને મજબૂતીકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો અને રાજ્યના વિકાસને વેગ આપવાનો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીના ભાગરૂપે તપાસ બાદ ક્ષતિગ્રસ્ત પુલોનું યુદ્ધના ધોરણે સમારકામ કરીને તેને વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવામાં આવ્યા છે.
બગોદરા-લીંબડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભોગાવો નદી ઉપર ૬ માર્ગીય પુલનું નિર્માણ
વાહન વ્યવહાર અને સલામતી સુરક્ષિત કરવાના આશય સાથે બગોદરા-લીંબડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮-અ (નવો રાષ્ટ્રીય ધોરીમાર્ગ – ૪૭) પર બગોદરા પાસેની ભોગાવો નદી પર 0૬ માર્ગીય બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ મુજબ ભોગાવો નદી પર ડાબી બાજુએ હયાત બે-માર્ગીય બ્રિજને ત્રણ-માર્ગીય બનાવવાની કમગીરી બે વર્ષ પહેલા જ પૂર્ણ કરવામાં આવી હતી. હાલમાં, ભોગાવો નદી પરના આ હયાત બ્રિજને વાહનવ્યવહાર માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે, જેનું નિયમિતપણે મેઈન્ટેનન્સ કરવામાં આવે છે.
આ ઉપરાંત ભોગાવો નદી પર જ હયાત બ્રિજની બીજી બાજુ નવા ત્રણ-માર્ગીય બ્રિજનું નિર્માણ કાર્ય હાલ પૂર્ણતાના આરે છે. આ કામગરી પૂર્ણ થતા ટૂંક જ સમયમાં સૌરાષ્ટ્રને અમદાવાદ સાથે જોડતા વાહનવ્યવહારમાં નોંધપાત્ર સુધારો થશે. આ નવા અને વિસ્તૃત પુલના નિર્માણથી વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર થશે અને પ્રવાસ વધુ સુગમ અને સુરક્ષિત બનશે.
અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજની મરામત-સમારકામ
અમદાવાદ શહેરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-૪૭ પર આવેલા વિશાલા નજીકના શાસ્ત્રી બ્રિજનું રૂ. ૬.૫ કરોડના ખર્ચે મરામત અને પુનઃનિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. બે અલગ-અલગ લેન માટે બે સ્વતંત્ર પુલ ધરાવતા શાસ્ત્રી બ્રિજ પૈકીનો જમણી બાજુનો પુલ વર્ષ ૧૯૭૦માં જ્યારે, ડાબી બાજુનો પુલ વર્ષ ૨૦૦૨માં નિર્માણ પામ્યો હતો. ગત વર્ષ ૨૦૨૨માં જમણી બાજુના પુલના બેરિંગમાં ખામી અને બંને પુલના એક્સ્પાન્સન જોઇન્ટ્સને નુકસાન જણાતાં, તાત્કાલિક ધોરણે બ્રિજનું સમારકામ પૂર્ણ કરીને વર્ષ ૨૦૨૪માં ફરી આ પુલને પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો.
આ મરામત અને પુનઃનિર્માણ કામગીરીમાં જમણી બાજુના બ્રિજના બેરિંગનું મરામત અને સુધારાવિધાન કરવામાં આવ્યું હતું. સાથે જ, સુરક્ષાની દ્રષ્ટીએ બંને પુલના એક્સ્પાન્સન જોઇન્ટ્સને સંપૂર્ણપણે બદલી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત જમણી બાજુના બ્રિજની RCC (રેઇનફોર્સ્ડ સિમેન્ટ કોંક્રીટ) પેરાપેટ દિવાલનું પુનઃનિર્માણ, અનેક જગ્યાઓએ ગ્રાઉટિંગ અને ગનાઇટિંગ દ્વારા બ્રિજના બાંધકામની મરામત, ડાબી બાજુના પુલ પર મેટલ બીમ ક્રેશ બેરિયર સ્થાપિત કરીને વાહનચાલકોની સુરક્ષા વધારવા જેવા વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. આ સમારકામના કારણે શાસ્ત્રી બ્રિજ હવે વધુ સુરક્ષિત અને ટકાઉ બન્યો છે.
ભરૂચમાં કદરામા ખાડી પર નવો બ્રિજ ખુલ્લો મૂકાયો
ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ પર કદરામા ખાડી ઉપર એક જૂના, જર્જરિત અને સાંકડા પુલના સ્થાને નવા માઇનોર બ્રિજનું (નાનો પુલ) નિર્માણ કરવામાં આવ્યું છે. આધુનિક એન્જિનિયરિંગ પદ્ધતિથી રૂ. ૯.૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ બ્રિજને તાજેતરમાં જ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જૂના નેરો બ્રિજની તપાસ હાથ ધરતા તે બ્રિજ સાંકડો અને જર્જરિત હોવાથી, નાગરિકોની સલામતીને ધ્યાને રાખતા સરકાર દ્વારા તેની સ્થાને નવા માઈનોર બ્રિજનું યુદ્ધના ધોરણે નિર્માણ કરીને તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ધોરી માર્ગ – લીંબડી પેટા વિભાગ દ્વારા વિવિધ બ્રિજનું મજબૂતીકરણ:
ચોમાસા પૂર્વે માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પ્રિ-મોન્સૂન પ્રિકોશનરી કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન વાહનવ્યવહારને સુગમ અને સુરક્ષિત રાખવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ-લીંબડી દ્વારા વિવિધ સ્થળોએ સમારકામ અને મજબૂતીકરણના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.-
૧. વિરેન્દ્રગઢ (સુરેન્દ્રનગર) નજીક બ્રિજનું સમારકામ:
લીંબડી-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા-કુડા રોડ (NH-51) પર વિરેન્દ્રગઢ ગામ નજીકના બ્રિજમાં મરામત કામગીરીની જરૂર જણાતા, તાત્કાલિક ધોરણે બ્રિજ પર ગ્રાઉટીંગ અને ગનાઇટીંગની કામગીરી હાથ ધરીને બ્રિજની મજબૂતી વધારવામાં આવી છે.
૨. કુડા ગામ (સુરેન્દ્રનગર) પરના બ્રિજ પર વાહન પ્રતિબંધ:
લીંબડી-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા-કુડા રોડ (NH-51) પર કુડા ગામ પાસે આવેલા બ્રિજની ટેક્નિકલ અધિકારીઓ અને બ્રિજ નિષ્ણાતોએ તપાસ હાથ ધરીને બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. જેને પગલે, સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી દ્વારા તાત્કાલિક ધોરણે જાહેરનામું બહાર પાડીને બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ, બ્રિજની બાજુમાં ચેતવણી દર્શક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.
૩. રાણપુર-બોટાદ (મિલેટ્રી) રોડ પર ડામર સપાટીનું સમારકામ:
ઢસા-ગઢડા-બોટાદ-રાણપુર-લીંબડી રોડ (NH-51)ના રાણપુર-બોટાદ (મિલેટ્રી રોડ) પ્રભાગ પર ખરાબ થયેલ ડામર સપાટીને હોટ મિક્સ મટીરીયલથી પેવર વડે દુરસ્ત કરવામાં આવી છે. રોડ સેફ્ટીના ભાગરૂપે, લેયિંગ કરાયેલ ડામર સપાટી પર થર્મોપ્લાસ્ટ માર્કિંગ પણ કરવામાં આવ્યું છે.
૪. પાંદરી-કારોલ ગામ (સુરેન્દ્રનગર) વચ્ચે સી.ડી. વર્કનું સમારકામ:
ઢસા-ગઢડા-બોટાદ-રાણપુર-લીંબડી રોડ (NH-51)ના રાણપુર-લીંબડી રોડ પર પાંદરી અને કારોલ ગામ વચ્ચે આવેલા સી.ડી. વર્કમાં મરામતની જરૂર જણાતા, તાત્કાલિક ધોરણે ગ્રાઉટીંગ અને ગનાઇટીંગની કામગીરી હાથ ધરીને બ્રિજને વધુ મજબૂત અને સુરક્ષિત કરવામાં આવ્યો છે.
૫. સુખભાદર બ્રિજ, રાણપુર (બોટાદ) પર રેલિંગનું સમારકામ:
ઢસા-ગઢડા-બોટાદ-રાણપુર-લીંબડી રોડ (NH-51) પર આવેલા રાણપુર ગામે સુખભાદર નદી પર સ્થિત બ્રિજની હયાત આર.સી.સી. પેરાપેટને નુકસાન થયું હોવાનું જાણવા મળતાની સાથે જ, યુદ્ધના ધોરણે જૂની પેરાપેટ હટાવીને પાઇપ રેલિંગ લગાવવામાં આવી છે, જેથી માર્ગસુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
૬. આંકડીયા બ્રિજ, બોટાદ ખાતે ડાયવર્ઝન:
ઢસા-ગઢડા-બોટાદ-રાણપુર-લીંબડી રોડ (NH-51) પર આવેલા આંકડીયા ગામ પાસેના ‘આંકડીયા બ્રિજ’ની થયેલી તપાસમાં બ્રિજને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું. ટેક્નિકલ અધિકારીઓની સલાહ મુજબ સુરક્ષાને ધ્યાને રાખતા આ બ્રિજને તુરંત જ બંધ કરીને તેની નીચેની બાજુએ (ડાઉનસ્ટ્રીમ) ડાયવર્ઝનનું બાંધકામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવ્યું છે. હાલમાં સંપૂર્ણ વાહનવ્યવહાર આ ડાયવર્ઝન પરથી પસાર થઈ રહ્યો છે.
ગુજરાતમાં પરિવહન નેટવર્કને વધુ મજબૂત બનાવવા, માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને નાગરિક સુરક્ષાને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા રોડ-રસ્તા અને બ્રિજની જાળવણી, નિયમિત નિરીક્ષણ અને મજબૂતીકરણને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.