Western Times News

Latest News from Gujarat India

પાર્કીગમાં થયેલ દબાણોની BU રદ કરવા કાર્યવાહી શરૂ

Files Photo

ચુંટણી સીઝનમાં શરૂ થયેલ ઝુંબેશથી ભાજપમાં હડકંપ : ઈમ્પેકટ અંતર્ગત ખોટી રીતે મંજૂર ફાઈલો ને “રીફર” કરવા કમીશ્નરનો આદેશ

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચુંટણીના પડઘમ વાગી રહયા છે. તેવા સમયે જ મ્યુનિ.કમીશ્નરે પાર્કીગની જગ્યા પર થયેલા દબાણો દુર કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે. તેથી શાસકોની પરિસ્થિતિ કફોડી બની છે. તેવી જ રીતે એસ્ટેટ ખાતાના અધિકારીઓને પણ ઈમ્પેકટ અંતર્ગત મંજૂર કરવામાં આવેલ પાર્કીગ અરજીઓ ફરીથી “રીફર” કરવા અને ખોટી રીતે મંજુર થઈ હોય તેવી અરજીની બી.યુ.રદ કરવાનો હુકમ કર્યો છે. જેના કારણે ભૂ-માફીયાઓ અને રાજકારણીઓની શેહશરમમાં આવીને ખોટી બી.યુ.મંજૂર કરનાર ભ્રષ્ટ અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.


મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો વધુ એક વખત કમીશ્નર સામે બેકફૂટ પર આવી ગયા છે. મનપાની ચુંટણી સમયે જ કમીશ્નરે પાર્કીગમાં થયેલા દબાણો સામે કાર્યવાહી કરવાનો આદેશ કરતા ભાજપના કોર્પોરેટરો અને કાર્યકરો દોડતા થઈ ગયા છે. ચોકાવનારી બાબત એ છે કે ઈમ્પેકટમાં મંજુર કરવામાં આવેલી અરજીઓ પણ રદ કરવાની તૈયારી કમીશ્નરે કરી છે. જેના કારણો માત્ર મનપા જ નહીં રાજય સરકારના મંત્રીઓ પણ ચોકી ઉઠયા છે.

ર૦૧૧-૧રમાં હાઈકોર્ટના આકરા વલણ બાદ કોર્પોરેશને પાર્કીગ અને માર્જિનમાં થયેલા દબાણો દુર કરવા કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં સી.જી.રોડને ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો. તે સમયે વિધાનસભા ચુંટણીઓ નજીક હોવાથી સરકારે તાકીદે ગુડા એકટ અંતર્ગત ઈમ્પેકટ કાયદાની જાહેરાત કરી હતી. ઉતાવળે તૈયાર કરવામાં આવેલા કાયદાની શરતો અત્યંત વિચિત્ર હોવાથી તેમાં બે થી ત્રણ વખત ફેરફાર કરવામાં આવ્યા હતા. તેમ છતાં નબળો પ્રતિસાદ મળતા “કેસરીયા બ્રિગેડ” ની પણ મદદ લેવામાં આવી હતી.

સરકારે માત્ર ૦૬ માસ માટે જાહેર કરેલા કાયદા નો અમલ ૦૬ વર્ષ સુધી થયો છે. જેમાં ર લાખ ૪૩ હજાર અરજીઓ પૈકી ૧ લાખ ર૬ હજાર અરજીઓ મંજુર થઈ હતી. જયારે બાકીની અરજીઓ અભરાઈએ મુકવામાં આવી છે. ઈમ્પેકટ કાયદાની શરત મુજબ જે અરજી નામંજૂર થાય તેના બાંધકામ ને દુર કરવાની જવાબદારી પણ કોર્પોરેશનની હતી પરંતુ રાજકીય લાભ લેવા માટે આ શરતનો અમલ થયો નથી. તેવી જ રીતે વધુ અરજીઓ મંજૂર થઈ હોવાના આંકડા વિભાગ મોટી સંખ્યામાં ખોટી અરજીઓને પણ મંજૂર કરી બી.યુ. આપવામાં આવી છે.

જે બાંધકામ “કટ ઓફ ડેઈટ” પછી થયા હોય અથવા કોઈપણ સંજાગોમાં મંજૂર થઈ શકે તેમ ન હોય તેવા બાંધકામો ને પણ ઈમ્પેકટ અંતર્ગત મંજૂરી આપવામાં આવી છે. જેમાં પાર્કીગના સ્થાને થયેલા બાંધકામોની અરજી વધારે છે. ઈમ્પેકટ કાયદામાં એસ્ટેટ-ટી.ડી.ઓ. ખાતાના અધિકારીઓ, ભુ-માફીયાઓ, અને રાજકારણીઓએ મનમુકીન ે ગેરરીતિ આચરી છે. જેના માઠા પરીણામ જાવા મળી રહયા છે.


મ્યુનિ.કોર્પોરેશને પાર્કીગની ફી અંતર્ગત રૂ.૧૩૦ કરોડ કરતા વધુ રકમ ઉઘરાવી છે. જેની સામે પાર્કીગ વ્યવસ્થા ઉપલબ્ધ થઈ નથી. કોમર્શીયલ કોમ્લેક્ષોમાં રૂ.રપ-૩૦ લાખ ઈમ્પેકટ ભરીને કરોડો રૂપિયાની ગેરકાયદેસર મિલ્કતો કાયદેસર થઈ ગઈ છે. જયારે પ્રજાની માલિકીના અબજા રૂપિયાના રીઝર્વ પ્લોટ પાર્કીગ માટે ફાળવવામાં આવી રહયા છે. આમ મ્યુનિ.શાસકો અને એસ્ટેટખાતાની બિલ્ડર તરફી નીતિનો ભોગ નાગરીકો બની રહયા છે. પાર્કીગ માટે જગ્યા ન હોવાથી રોડ પર વાહનપાર્ક કરવાની ફરજ પડે છે.

ટ્રાફિક ટોઈંગવાળા રૂ.પ૦૦ની રસીદ પકડાવી જાય છે. શહેરની પાર્કીગ સમસ્યાના નિરાકરણ અને ભ્રષ્ટ અધિકારીઓને સકંજામાં લેવા માટે કમીશ્નરે આ રસ્તો અપનાવ્યો છે. મ્યુનિ.કોર્પોરેશનના આંતરિક સુત્રોએ જણાવ્યા મુજબ કમીશ્નરે રીવ્યુ મીટીંગમાં એસ્ટેટખાતા અધિકારીઓને પ્રાયશ્ચિત કરવાની તક આપી હતી. તથા ભુલથી કોઈ ખોટી ફાઈલ મંજૂર થઈ ગઈ હોય તો તેને રજુ કરવા અને બી.યુ.રદ કરવા સુચના આપી છે.

સાથે-સાથે પાર્કીગની જગ્યા પર થયેલા દબાણોને સીલ કરીને તેને તોડવા માટે તાકીદે કાર્યવાહી કરવા માટે પણ આદેશ કર્યા છે. નોધનીય બાબત એ છે કે મ્યુનિ.સ્ટેન્ડીંગ ચેરમેને લગભગ એક મહીના પહેલા જ ઈમ્પેકટમાં નામંજૂર થયા હોય તેવા તેમજ મંજૂર થઈ શકે તેવા નવા બાંધકામોને કાયદેસર કરવા જાહેરાત કરી હતી. પરંતુ તેમની આ જાહેરાત “હેલ્મેટ” જેવી સાબિત થઈ છે. તથા કમીશ્નરની “કોર્ટ” સામે વધુ એક વખત શાસકપક્ષની પીછેહઠ થઈ હોય તેમ લાગી રહયું છે.

મ્યુનિ. વિપક્ષી નેતા દિનેશ શર્માએ સીબીંગ ઝુંબેશ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે થોડા દિવસ માટે ઝુંબેશ ચલાવ્યા બાદ યેનકેન પ્રકારે તેને ખોલવામાં આવે છે. ભુતકાળમાં પણ આવી ઝુંબેશો થઈ છે. તેથી પાર્કીગના સ્થળે થયેલા દબાણો તોડવાના હોય તો જ કાર્યવાહી કરવામાં આવે. માર્કેટીગ કે પ્રસિદ્ધિ માટે થોડા દિવસ કાર્યવાહી કરવાનો કોઈ જ અર્થ રહેતો નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers