વી.એસ.ના ટ્રસ્ટીઓ અને કોર્ટની અવગણના કરી બિલ્ડીંગ તોડવાની કામગીરી શરૂ થઈ

વી.એસ.બોર્ડની છેલ્લી બેઠકમાં થયેલ ઠરાવ મુજબ હાઈકોર્ટના ડાયરેકશન માટે સીએ દાખલ કરવી તેમજ ટ્રસ્ટીઓની સંમતિ મેળવવી જરૂરી
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી ૧૯૩૧માં સ્વાતંત્ર સેનાનીઓ તેમજ ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોને રાહતદરે સારવાર મળી રહે તે હેતુથી કાર્યરત થયેલ શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ અને ચિનાઈ પ્રસૃતિ ગૃહને સત્તાધારી પાર્ટીએ નામશેષ કરી નાંખી છે તથા એક સમયે ૧૧૦૦ બેડથી ચાલતી હોસ્પિટલ હાલ માત્ર પ૦૦ પથારીથી જ ચાલી રહી છે.
તેમાં પણ નિષ્ણાંત તબીબોનો અભાવ રહે છે. શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બિલ્ડીંગો જર્જરીત થઈ ગયા હોવાથી તેના નવીનિકરણ માટે છેલ્લા પાંચ વર્ષથી જાહેરાતો થતી હતી પરંતુ અંતે તેને તોડી પાડવા નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે ચોંકાવનારી બાબત એ છે કે આ નિર્ણય ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લીધા વિના તેમજ વી.એસ. બોર્ડમાં થયેલ ઠરાવ મુજબ કોર્ટમાં સ્પેશીયલ એપ્લીકેશન સબમીટ કર્યાં વિના જ તોડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વી.એસ. કેમ્પસમાં આવેલ શેઠ ચિનાઈ પ્રસુતિગૃહ (જુનું બિલ્ડીંગ) તેમજ વી.એસ. હોસ્પિટલ ટાવર બિલ્ડીંગના રિનોવેશન અને રીપેરીંગ કામ કરવા માટે વી.એસ. બોર્ડની મળેલી બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે.
સાથે સાથે તેમાં એવો પણ ઠરાવ થયો છે કે ર૦રરમાં ગુજરાત હાઈકોર્ટની પીઆઈએલને ધ્યાનમાં રાખી હાઈકોર્ટનું ડાયરેકશન મેળવવા માટે સ્પેશીયલ સીએ દાખલ કરવામાં આવશે તેનું મુખ્ય કારણ એ છે કે જ્યાં સુધી હોસ્પિટલનું નવીનિકરણ ચાલશે ત્યાં સુધી તેમાં પ૦૦ ના બદલે માત્ર ર૦૩ જ ઈન્ડોર પેશન્ટની સારવાર થઈ શકશે.
મતલબ કે પથારીઓની સંખ્યા ઘટશે. આ ઉપરાંત ઠરાવમાં એમ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ કામ માટે શેઠ વાડીલાલ સારાભાઈ અને શેઠ ચિનાઈ પ્રસુતિ ગૃહના ટ્રસ્ટીઓ સાથે મેયર મીટીંગ કરશે અને તેમની સંમતિ લેવામાં આવશે. મેયર અને ટ્રસ્ટીઓ વચ્ચે આગામી ૧૯ તારીખે બેઠક થાય તેવી શક્યતા છે.
શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ બોર્ડ દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો છે તેનું લેક્ષમાત્ર પાલન કરવામાં આવ્યું નથી. સૌ પ્રથમ તો હાઈકોર્ટનું ડાયરેકશન મેળવવા માટે સીએ દાખલ કરવામાં આવી નથી તેમજ ટ્રસ્ટીઓ સાથે કોઈ જ મીટીંગ કે વાર્તાલાપ કરવામાં આવ્યા નથી તેમ છતાં વીએસ બોર્ડ દ્વારા હોસ્પિટલના ચાર બિલ્ડીંગ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એસવીપી હોસ્પિટલના પ્લાનમાં વીએસના બિલ્ડીંગને પાર્કનું સ્થાન બતાવવામાં આવ્યું હતું જેના કારણે તેને બીયુ મળી નથી. વી.એસ.ના ચાર બિલ્ડીંગ તોડી પાડવામાં આવશે તો એસ.વી.પી.ના પા‹કગ માટેનો રસ્તો પણ મોકળો થશે તેવી અપેક્ષા વી.એસ. બોર્ડના અધ્યક્ષ રાખી રહયા છે.