સગા ભાઈએ ખોટા અંગૂઠા કરીને મિલકતમાંથી બહેનોના નામો કમી કર્યા

પ્રતિકાત્મક
ખેડબ્રહ્મા પોલીસે આરોપી વનરાજ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
તલોદ, ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામના એક ખેડૂતે સંયુક્ત માલિકીની જમીનમાંથી પોતાની બહેનોના નામે ખોટા અંગૂઠા મારી ખોટું એફિડેવિટ રજૂ કરી બહેનોના હક કમી કરાવી દીધા હોવાની પોલીસ ફરિયાદ ખેડબ્રહ્મા પોલીસ મથકે નોંધાવી હોવાનું જાણવા મળે છે.
આ અંગે મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે રહેતા ઠાકરડા વનરાજભાઈ સોમાભાઈ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પોતાની જમીનમાં તેમની બે બહેનો તારાબેન સોમાભાઈ અને કોદીબહેન સોમાભાઈના સંયુકત નામે ચાલતી હતી.
સદર જમીનમાંથી પોતાની બંને બહેનોના નામ કાઢવા માટે વનરાજભાઈએ બંને બહેનોના ખોટા અંગૂઠા કરી, ખોટું સોગંદનામું રજૂ કરી જમીનમાંથી નોંધ નંબર પ૭૪૪થી બને બહેનોના નામ કમી કરાવી દીધા હતા.
પોતાના પિતાની માલિકીની જમીનમાંથી બંને બહેનો કોદીબેન અને તારાબેનનું નામ પોતાની જાણ બહાર કાઢી નાખ્યું હોવાનું ખબર પડતા બંને બહેનોએ ગત ર મે ના રોજ નોંધ નંબર પ૭૪૪ સામે તકરારી દાખલ કરી હતી જેની સુનાવણી ૩ જૂનના રોજ થતા વનરાજભાઈ ઠાકરડાએ બંને બહેનોના ખોટા અંગૂઠા મારી ખોટું સોગંદનામું કરી વડીલોપાર્જિત પોતાની સંયુકત જમીનમાંથી બને બહેનોના નામ કઢાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
આ અંગે ખેડબ્રહ્મા પ્રાંત કચેરીના શિરસ્તેદાર એન.જે. ડોડીયાએ વનરાજભાઈ સોમાભાઈ ઠાકરડા (રહે. લક્ષ્મીપુરા, તા.ખેડબ્રહ્મા) સામે પોતાની જમીનમાંથી બંને બહેનોના ખોટા અંગૂઠા મારી ખોટું સોગંદનામુ રજુ કરી બંને બહેનોના નામ કાઢી નાખવા સંદર્ભે ફરિયાદ આપતા ખેડબ્રહ્મા પોલીસે આરોપી વનરાજભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ ખેડબ્રહ્મા પી.આઈ. ડી.એન.સાધુએ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.