Western Times News

Gujarati News

રશિયા ૫૦ દિવસમાં યુક્રેન સાથે યુદ્ધ બંધ નહીં કરે તો ટેરિફ ઝીંકાશેઃ ટ્રમ્પ

વોશિંગ્ટન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન સાથેના યુદ્ધનો ઉકેલ ન આવે તો રશિયાને ટેરિફ વધારાની સજા કરવાની ચીમકી આપી છે. ટ્રમ્પે નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટ્ટે સાથેની બેઠક દરમિયાન યુક્રેન સાથેનું યુદ્ધ પૂરું કરવા રશિયાને ૫૦ દિવસની મુદત આપી હતી.

ટ્રમ્પે જણાવ્યુ હતું કે, ૫૦ દિવસમાં યુદ્ધ બાબતે કોઈ સમાધાન નહીં થાય તો અતિશય ટેરિફ લાગુ કરવામાં આવશે. ટેરિફના દર અંગે ટ્રમ્પ તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ ન હોતી. જો કે ટ્રમ્પે જણાવ્યુ હતું કે, તેઓ ટ્રેડનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓ માટે કરી રહ્યા છે.

યુદ્ધમાં સમાધાન માટે આ ખૂબ અસરકારક છે. દરમિયાન રશિયા અને યુક્રેન ખાતેના ટ્રમ્પના વિશેષ દૂતે યુક્રેનના પ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કી સાથે પાટનગર કિવમાં મુલાકાત કરી હતી.

યુએસના ડિફેન્સ સેક્રેટરી હેગસેથ, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કાે રુબિઓ અને કોંગ્રેસના સભ્યો સાથે મંત્રણાનું પણ રુટ્ટે આયોજન કરી રહ્યા છે. યુક્રેન સાથે મુલાકાતના પગલે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં ટ્રમ્પ તંત્રની નીતિમાં મોટા ફેરફારના સંકેત પણ મળી રહ્યા છે.

અગાઉ ટ્રમ્પ દ્વારા રશિયાના પ્રમુખ પુતિન સાથે ગાઢ મિત્રતાની વાતો કરવામાં આવતી હતી. યુદ્ધમાં સમાધાન માટે યુક્રેનની સરખામણીએ રશિયા વધારે ઉત્સુક હોવાનું પણ ટ્રમ્પ વારંવાર કહી ચૂક્યા છે.

ઝેલેન્સ્કીના કારણે યુદ્ધ લંબાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરી ટ્રમ્પે ઝેલેન્સ્કીને આપખુદ શાસક ગણાવ્યા હતા. જો કે યુક્રેનના નાગરિક વિસ્તારો પર રશિયા દ્વારા હુમલા શરૂ થતાં ટ્રમ્પનું વલણ બદલાયું છે. એપ્રિલ મહિનામાં ટ્રમ્પે પુતિનને યુદ્ધ રોકવા કહ્યું હતું અને ત્યારબાદ મે મહિનામાં પુતિનને યુદ્ધખોર પાગલ ગણાવ્યા હતા.

પુતિનના વર્તન અંગે નિરાશા વ્યક્ત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, પુતિન વાતો ખૂબ સારી કરે છે, પરંતુ બોલેલું પાળતા નથી. પુતિન પ્રત્યે વધી રહેલી નારાજગીના પગલે ટ્રમ્પના વિશેષ દૂત નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ કૈથ કેલોગ અને ઝેલેન્સ્કી વચ્ચે મંત્રણા થઈ હતી. આ મંત્રણાને ઝેલેન્સ્કીએ હકારાત્મક ગણાવી હતી અને રશિયા પર આંતરરાષ્ટ્રી પ્રતિબંધો મૂકાવાની આશા વ્યક્ત કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.