વિદ્યાર્થીઓની આત્મહત્યાનાં કેસમાં સુપ્રીમે ત્રણ રાજ્યોની પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો

નવી દિલ્હી, દેશમાં આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની આત્મહત્યાના મામલે સુપ્રીમ કોર્ટે સોમવારે ત્રણ રાજ્યોની પોલીસને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યાે છે.
આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી-ખડગપુર અને રાજસ્થાનના કોટામાં નીટની આશાસ્પદ વિદ્યાર્થિનીની આત્મહત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટની બેન્ચ ૨૧ જલાઈએ વધુ સુનાવણી હાથ ધરશે.
જસ્ટિસ જે બી પારડિવાલા અને આર મહાદેવનની બેન્ચે આ કેસમાં ગૃહમંત્રાલયને પક્ષકાર બનાવતા દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આત્મહત્યાને મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી.
એમિકસ ક્યુરી સીનિયર એડ્વોકેટ અપર્ણા ભટ્ટે આ મુદ્દે મંત્રાલયની મદદ માંગી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે આઈઆઈટી દિલ્હીમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓની ૨૦૨૩માં આત્મહત્યા કેસમાં તપાસની સ્થિતિ જણાવવા પોલીસને નિર્દેશ આપ્યા હતા. ૨૪ માર્ચે આ બંને મૃતકોના પરિવારજનોએ ફરિયાદ દાખલ કરાવી હતી.
દિલ્હી સરકાર વતી હાજર વકીલને બેન્ચે જણાવ્યું હતું કે, તપાસમાં શું પ્રગતિ થઈ છે તે જણાવો. એફઆઈઆર દાખલ કરાયા બાદ તમે શું કર્યું તે અમારે જાણવું છે.
કેસમાં શું કર્યું તે તમારે કોર્ટને જણાવવું જોઈએ. દરમિયાન સર્વાેચ્ચ ન્યાયાલયે પશ્ચિમ બંગાળ પોલીસને ૪થી મેએ આઈઆઈટી-ખડગપુરમાં વિદ્યાર્થીએ કરેલી આત્મહત્યા બાદ ૮મી મેએ નોંધાયેલી ફરિયાદમાં શું પ્રગતિ થઈ છે તેનાથી કોર્ટને વાકેફ કરવા જણાવ્યું છે.
રાજસ્થાનમાં કોટા ખાતે નીટની પરીક્ષાની તૈયારી કરી રહેલી વિદ્યાર્થિનીએ રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આ કેસમાં તપાસની શું સ્થિતિ છે તેનાથી કોર્ટને અવગત કરવા રાજસ્થાન પોલીસને સુપ્રીમે આદેશ આપ્યો છે.SS1MS