વરસાદી આફતે રાજસ્થાનમાં ૧૨, હિમાચલમાં ૪નો ભોગ લીધો

નવી દિલ્હી, ભારેથી અતિભારે વરસાદની ચેતવણી વચ્ચે મેઘરાજાએ હિમાચલ પ્રદેશને બાનમાં લીધું છે. વરસાદને કારણે અલગ-અલગ ઘટનાઓમાં હિમાચલમાં ૪ લોકોના મોત થયા છે. જ્યારે રાજસ્થાનમાં ૧૨ લોકોના મોત થયા છે.
કોટામાં પાણીમાં તણાતા ૫ લોકોના મોત થયા છે. હિમાચલમાં ૨૦૦થી વધુ રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ છે, જેમાંથી મોટાભાગના મંડીમાં છે, જ્યારે ઝારખંડના ૧૨ જિલ્લાઓ માટે અચાનક પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે.
યુપીમાં ભારે વરસાદને કારણે ગંગા અને યમુના નદીના જળસ્તરમાં વધારો થયો છે.રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એ જણાવ્યું હતું કે, આપત્તિગ્રસ્ત મંડી જિલ્લાના ૧૫૭ સહિત ૨૦૮ રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ છે, જ્યારે ૭૪૫ પાણી પુરવઠા યોજનાઓ અને ૧૩૯ વીજ વિતરણ ટ્રાન્સફોર્મરને અસર થઈ છે.
૨૦ જૂને ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૬૧ લોકોના મોત થયા છે. શુક્રવાર સુધી હિમાચલના ૧૨ જિલ્લાઓ માટે યેલો એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજસ્થાનમાં, કોટા જિલ્લાના ખતૌલીમાં ૨૪ કલાકમાં ૧૯૮ મીમી વરસાદ નોંધાયો છે. કોટા બેરેજના ૧૨ દરવાજામાંથી પાણી છોડવામાં આવ્યા બાદ પાણીનું સ્તર અચાનક વધી જતાં ચંબલ નદીમાં પાંચ યુવાનો તણાઈ ગયા હતા. દિલ્હીમાં પણ હવામાન પલટાતા અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે ઉત્તર બંગાળની ખાડીમાં ભારે પવન ફૂંકાવાને કારણે આગામી ૨૪ કલાક સુધી માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપી છે.SS1MS