નાના ભાઇએ મોટા ભાઇને બેટ મારીને મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ, સરસપુર વિસ્તારમાં બે સગા ભાઇઓ વચ્ચે ઝઘડો થતાં એકબીજા સાથે મારામારી કરી હતી. જેમાં નાનાભાઇએ બેટ મારી દેતા મોટા ભાઇનું મોત થયું હતું. આ બનાવમાં વૃદ્ધ માતાએ જ પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીની અટકાયત કરી છે. સરસપુરમાં ૭૦ વર્ષીય બીટ્ટીબેન કુશવાહા બે દીકરા કનૈયાસિંહ અને અશ્વિનસિંહ સાથે રહે છે.
બંને સગા ભાઇઓ કામધંધો ન કરતા હોવાથી અવારનવાર એકબીજા સાથે ઘર વપરાશના પૈસા બાબતે ઝઘડતા હતા. ગત તા.૧૨મીએ રાત્રે બંને ભાઇઓ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે વૃદ્ધ માતાએ વચ્ચે પડીને બંનેને છોડાવ્યા હતા. બીજા દિવસે પણ બંને ભાઇ ઝગડ્યા હતા અને મારામારી કરી હતી. અશ્વિનસિંહે મોટાભાઇ કનૈયાસિંહને બેટથી મારવા જતા પાડોશીઓ દોડી આવ્યા હતા.
પાડોશીઓ વૃદ્ધાને તેમના ઘરે લઇ ગયા ત્યારે ફરી બંને ભાઇ ઝઘડ્યા હતા. વૃદ્ધા ઘરે આવ્યા ત્યારે એક પુત્ર કનૈયાસિંહ લોહીલુહાણ હાલતમાં હતો. કનૈયાસિંહને ભાઇ અશ્વિનસિંહે બેટના ફટકા માર્યા ત્યારે માતાને જોઇને અશ્વિનસિંહ નાસી ગયો હતો.
કનૈયાસિંહને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત ભાઇનો કાન કપાઇ ગયો હતો અને પેટ સહિતના ભાગે ગંભીર ઇજા પહોંચતા ડોક્ટરે સારવાર શરૂ કરી હતી.
શહેરકોટડા પોલીસે અશ્વિનસિંહ કુશવાહા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો પરંતુ સારવાર દરમિયાન કનૈયાસિંહનું મોત નિપજતા શહેરકોટડા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને આરોપી અશ્વિનસિંહ રાજબહાદુરસિંહ કુશવાહાની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.SS1MS