Western Times News

Gujarati News

માંગરોળના આજક ગામ નજીક પુલ પર સમારકામનું કામ ચાલી રહ્યું હતું અને સ્લેબ ધરાશાયી થયો

પુલના સ્લેબ પર આઠથી દસ જેટલા લોકો પણ ઉભા હતા, જેઓ સ્લેબ તૂટતાની સાથે જ સીધા નદીમાં પડ્યા હતા.

રાજકોટ, રાજ્યમાં પુલ દુર્ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આ ઘટનાએ ફરીથી રાજ્યના બ્રિજના સમારકામ અને જાળવણી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. માંગરોળ તાલુકાના આજક ગામ નજીક, આત્રોલીથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા એક મહત્વના બ્રિજનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો.

આ દુર્ઘટના તે સમયે બની જ્યારે પુલ પર સમારકામનું કામ ચાલી રહ્યું હતું. સ્લેબ ધરાશાયી થતાં જ પુલ પર ઉભેલા અનેક લોકો અને એક હીટાચી મશીન ધડામ દઈને નદીમાં ખાબક્યા હતા, જેના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. હીટાચી મશીન નદીમાં ખાબક્યું, લોકો પણ પડ્યા:

મંગળવારે સવારે પુલના સમારકામની કામગીરી હીટાચી મશીન સાથે ચાલી રહી હતી. ત્યારે જ અચાનક પુલનો સ્લેબ તૂટી પડતા મોટા અવાજ સાથે હીટાચી મશીન નીચે નદીમાં ખાબકી ગયું હતું. આ ઘટના સમયે પુલના સ્લેબ પર આઠથી દસ જેટલા લોકો પણ ઉભા હતા, જેઓ સ્લેબ તૂટતાની સાથે જ સીધા નદીમાં પડ્યા હતા.

જુનાગઢ કલેક્ટર અને અધિકારીઓએ માંગરોળ નજીક આંત્રોલી આજક ગામ વચ્ચે ઘટના સ્થળ મુલાકાત લીધી હતી. કલેક્ટરે જણાવ્યું કે, ઇન્સ્પેક્શન બાદ સલામતીના ભાગરૂપે આપ પુલને નીચે ઉતારવામાં આવી રહ્યો હતો. પુલ તૂટ્યો નથી પરંતુ તોડવામાં આવી રહ્યો હતો.

જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ગંભીર ઈજા પણ થઈ નથી, જે એક રાહતભરી બાબત છે. મહત્વપૂર્ણ માર્ગ પર અસર: મહત્વની વાત એ છે કે આજક ગામે આવેલો આ પુલ કેશોદને માધવપુર સાથે જોડતો એક અતિ મહત્વનો માર્ગ છે.

દરરોજ મોટી સંખ્યામાં વાહનો આ પુલ પરથી પસાર થાય છે. આવા વ્યસ્ત માર્ગ પર સમારકામ દરમિયાન બ્રિજનો સ્લેબ તૂટી પડવો એ બાંધકામની ગુણવત્તા અને સમારકામની પદ્ધતિ પર અનેક પ્રશ્નાર્થ સર્જે છે. આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થયો છે, જેમાં પુલનો સ્લેબ તૂટતાં લોકોમાં ભય અને ગભરાટનો માહોલ સ્પષ્ટપણે જોવા મળે છે. વડોદરા પછી જૂનાગઢમાં બનેલી આ ઘટનાએ રાજ્યના પુલોની સુરક્ષા અને જાળવણી પ્રત્યે સત્તાવાળાઓની બેદરકારી અંગે સવાલો ઉભા કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.