યુક્રેન સાથે યુદ્ધ બાબતે રશિયાને ટ્રમ્પે શું ધમકી આપી

(એજન્સી)વોશિંગ્ટન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન સાથેના યુદ્ધનો ઉકેલ ન આવે તો રશિયાને ટેરિફ વધારાની સજા કરવાની ચીમકી આપી છે. ટ્રમ્પે નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટ્ટે સાથેની બેઠક દરમિયાન યુક્રેન સાથેનું યુદ્ધ પૂરું કરવા રશિયાને ૫૦ દિવસની મુદત આપી હતી.
ટ્રમ્પે જણાવ્યુ હતું કે, ૫૦ દિવસમાં યુદ્ધ બાબતે કોઈ સમાધાન નહીં થાય તો અતિશય ટેરિફ લાગુ કરવામાં આવશે. ટેરિફના દર અંગે ટ્રમ્પ તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ ન હોતી. જો કે ટ્રમ્પે જણાવ્યુ હતું કે, તેઓ ટ્રેડનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓ માટે કરી રહ્યા છે. યુદ્ધમાં સમાધાન માટે આ ખૂબ અસરકારક છે. દરમિયાન રશિયા અને યુક્રેન ખાતેના ટ્રમ્પના વિશેષ દૂતે યુક્રેનના પ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કી સાથે પાટનગર કિવમાં મુલાકાત કરી હતી.
યુએસના ડિફેન્સ સેક્રેટરી હેગસેથ, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કાે રુબિઓ અને કોંગ્રેસના સભ્યો સાથે મંત્રણાનું પણ રુટ્ટે આયોજન કરી રહ્યા છે. યુક્રેન સાથે મુલાકાતના પગલે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં ટ્રમ્પ તંત્રની નીતિમાં મોટા ફેરફારના સંકેત પણ મળી રહ્યા છે.