AMTS દ્વારા શ્રાવણ માસમાં ધાર્મિક બસ પ્રવાસનું આયોજન

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા દર વર્ષ ની માફક આ વરસે પણ વિશેષ ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારમાં આવેલા વિવિધ મંદિરોમાં લોકોને દર્શન કરાવશે.
જેના માટે લાલદરવાજા ટર્મિનસ, સારંગપુર ટર્મિનસ, વાડજ ટર્મિનસ અને મણીનગર ટર્મિનસ પર બુકિંગ કરાવવાનું રહેશે. અડાલજ ખાતે આવેલા ત્રિમંદિર પાસે ખૂબ વાહનોનો ઘસારો અને ર્પાકિંગની સમસ્યાને લઈને ત્રિમંદિરનો સમાવેશ કરાયો નથી આખા દિવસના ધાર્મિક બસ પ્રવાસમાં ૮થી ૧૦ મંદિરોમાં લોકો દર્શન કરી શકશે. નાગરિકોને ઘરેથી બસ લઈ જશે અને મૂકી જશે.
AMTS કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે લોકો શહેરમાં આવેલા વિવિધ દેવી-દેવતાઓના દર્શન માટે જતા હોય છે ત્યારે લોકો એકસાથે ગ્રુપમાં દર્શન કરવા માટે જતા હોય છે.
જેથી AMTS દ્વારા ધાર્મિક બસ પ્રવાસ યોજના મૂકવામાં આવી છે જેમાં પૂર્વ અને પશ્ચિમે બંને વિસ્તારમાં આવેલા વિવિધ મંદિરોના નક્કી કરવામાં આવ્યા છે. નાગરિકો નક્કી કરેલા મંદિરોમાંથી પણ મંદિરોમાં દર્શન માટે જઈ શકશે.
નાગરિકો માટે રૂટીન બસ સુવિધામાં કોઈ તકલીફ ન પડે તેના માટે માત્ર ૮૦ બસો શ્રાવણ મહિના માટે ફાળવવામાં આવી છે રોજની ૮૦ જેટલી બસો જ આ યોજના માટે રાખવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં રહેતા નાગરિકોએ પ્રતિ બસ રૂ. ૩૦૦૦ તથા ઔડાની હદમાં રહેતા નાગરિકોએ રૂ. ૫૦૦૦ ચૂકવવાના રહેશે. પ્રોપર્ટી ટેક્ષ બિલ તેમજ ભરેલ પહોચની નકલ પણ જમા કરાવવાની રહેશે. આ બસો લાલદરવાજા ટર્મિનસ, સારંગપુર ટર્મિનસ, વાડજ ટર્મિનસ અને મણીનગર ટર્મિનસથી મળી શકશે. સવારે ૮.૧૫ વાગ્યેથી બુકિંગ કરાવેલા રૂટના મંદિરો પર દર્શન કરાવી સાંજે ૪.૪૫ વાગ્યે પરત આવશે. એક બસમાં બેસવાની કેપેસિટી ૩૦ લોકોની છે પરંતુ વધુમાં વધુ ૪૦ લોકો તેમાં બેસી શકશે.
ગત વર્ષે શ્રાવણ માસ અને અધિક શ્રાવણ માસ હતો. જેમાં એક મહિનામાં એએમટીએસ દ્વારા ૧૦૦૦થી બસો દ્વારા શહેરના નાગરિકોએ ધાર્મિક પ્રવાસનો લાભ લીધો હતો. જેમાં ૧ લાખ જેટલા ભક્તોએ શહેરના વિવિધ ધાર્મિક મંદિરોની મુલાકાત લીધી હતી.
મોટી સંખ્યામાં ભક્તોએ મ્યુનિ.ના આ ધાર્મિક બસ પ્રવાસ યોજનાનો લાભ મેળવ્યો હતો. દર વર્ષે શ્રાવણ માસમાં ધાર્મિક બસ પ્રવાસ યોજનાનો લાભ નાગરિકો મેળવતા હોય છે ત્યારે આ વર્ષે પણ લોકો આ બસ યોજનાનો લાભ લે તેવી અપીલ AMTSના સત્તાધીશો દ્વારા કરવામાં આવી છે.