બેજવાબદાર અધિકારીઓનાં કારણે ગુજરાત ‘અનાથ’ બન્યું છે, હાઇકોર્ટની વેધક ટિપ્પણી

હાઇકોર્ટે આદેશ આપ્યો કે, આગામી મુદ્દતે જવાબદાર અધિકારીઓ સામે ચાર્જ ફ્રેમની કાર્યવાહી કરાશે
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ચાલી રહેલી લાલિયાવાડી મામલે હવે તો એટલી હદ થઇ ગઇ હતી કે હાઇકોર્ટે પણ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની ચિમકી ઉચ્ચારી હતી.
હાઇકોર્ટે ચિમકી આપતા જણાવ્યું કે, બેદરકાર અધિકારીઓ કાયદાનું પાલન કરવાનું શીખી જાય નહી તો હાઇકોર્ટ પોતાનો દંડો ઉગામશે. ખાડાયુક્ત રોડ પર હાઈકોર્ટ લાલઘૂમ થઇ ગઇ હતી. બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોર, ટ્રાફિક અને ર્પાકિંગની સમસ્યાને લઈ હાઈકોર્ટમાં અરજી થઇ હતી. કોર્ટના હુકમના તિરસ્કારની અરજી પર હાઈકોર્ટનું અવલોકન સામે આવ્યું હતું.
હાઇકોર્ટે આદેશ આપ્યો કે, આગામી મુદ્દતે જવાબદાર અધિકારીઓ સામે ચાર્જ ફ્રેમની કાર્યવાહી કરાશે. બેજવાબદાર અધિકારીઓના કારણે કાયદાનું પાલન ન થાય તે ચલાવાશે નહીં. કોર્ટના સંખ્યાબંધ હુકમો બાદ પણ સ્થિતિ વણસી હતી.
તાજેતરના મીડિયા અહેવાલોની કોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને ગુજરાતનાં વહીવટી તંત્રની ઝાટકણી કાઢી હતી. આ મામલે ગુજરાત હાઇકોર્ટ ૧૭ જુલાઈના રોજ આ મામલે વધારે સુનાવણી કરશે. અત્યાર સુધીના પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ ન થયા હોવાથી કોર્ટની નારાજગી સામે આવી છે.
ગુજરાતમાં સ્થિતિ એવી છે કે, સામાન્ય નાગરિકો તો ઠીક પરંતુ હવે હાઇકોર્ટનાં જજ પણ સરકારી વલણથી કંટાળી ચુક્યા છે. માત્ર રસ્તાઓ જ નહી હવે તંત્રથી પણ હાઇકોર્ટનાં જજ કંટાળી ચુક્યા છે. અધિકારીઓને વારંવાર આદેશ આપવામાં આવે છે પરંતુ અધિકારીઓ સરકારનું પણ સાંભળતા નથી અને હવે તો હાઇકોર્ટનું પણ સાંભળતા નથી.
અધિકારીઓ બાપીકું રાજ હોય તે પ્રકારે વર્તન કરે છે. ન તો નાગરિકોનું સાંભળી રહ્યા છે, ન તો સરકારનું કે ન તો હાઇકોર્ટનું કોઇનું અધિકારીઓ માનવા માટે તૈયાર નથી. આવી સ્થિતિમાં હવે સામાન્ય નાગરિકોનો તો ભગવાન જ ધણી છે.