તળાજા પાસે રમતાં- રમતાં કારમાં પુરાઈ ગયેલાં ભાઈ-બહેનનું ગુંગળાઈ જતાં મોત

ભાવનગર, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મંગળવારે, જુલાઈ ૧૫ના રોજ સાંજે આશરે ૬ વાગ્યે ઘરની બહાર પાર્ક કરેલી એક ફોરવ્હીલ કારમાં રમતાં રમતાં બે નાના ભાઈ-બહેન કારની અંદર પુરાઈ ગયા હતા, જેના કારણે ગૂંગળાઈ જવાથી તેમનું કરુણ મૃત્યુ થયું હતું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, દીપકભાઈ સોઢાતરના ૬ વર્ષની પુત્રી તન્વી અને ૪ વર્ષના પુત્ર હિત ઘરની બહાર પાર્ક કરેલી કારમાં રમી રહ્યા હતા. રમતાં રમતાં બંને બાળકો કારની અંદર ગયા અને અચાનક કારની લોક સિસ્ટમ સક્રિય થઈ ગઈ.
કારના દરવાજા અંદરથી લોક થઈ જતાં બંને માસૂમ બાળકો અંદર ફસાઈ ગયા. ધીમે ધીમે કારમાં આૅક્સિજનની અછત થવા લાગી, જેના કારણે બંને બાળકો ગૂંગળાઈ ગયા અને બેભાન થઈ ગયા.બાળકો લાંબા સમય સુધી ઘરે ન દેખાતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી. આખરે, પરિવારને ઘરની બહાર પાર્ક કરેલી કારમાંથી બંને બાળકોના નિષ્પ્રાણ દેહ મળી આવ્યા.
તેમને તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. આ દુર્ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સોઢાતર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટના માતા-પિતા માટે એક ગંભીર ચેતવણી સમાન છે કે વાહનોમાં રમતાં બાળકો પર સતત નજર રાખવી અત્યંત આવશ્યક છે.SS1MS